ગાંધીનગર, રાજ્યની જનતાની સુખાકારી માટે ખોરાકની ગુણવત્તા માટે સ્થળ ઉપર જ ત્વરિત ખોરાકની તપાસ અને ચકાસણી થઈ શકે તે માટે રાજ્યમાં ફૂડ સેફટી ઓન વ્હિલ્સનો પ્રારંભ કરવામાં આવ્યો હોવાનું રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું.રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આજે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, રાજ્યના નાગરિકોની આરોગ્ય સુખાકારી માટે સ્થળ ઉપર જ ત્વરિત ખોરાકની ગુણવત્તાની તપાસ અને ચકાસણી કરી શકાય તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સીધા માર્ગદર્શનમાં રૂ. ૪૫ લાખના ખર્ચે ‘ફૂડ સેફ્ટી ઓન વ્હિલ્સ’નો આજે શુભારંભ કરવામાં આવ્યો હતો. આ ફૂડ સેફટી ઓન વ્હિલ્સના માધ્યમથી વેપારીઓ દ્વારા કરવામાં આવતી ભેળસેળને અટકાવી શકાશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દૂધમાં થતી ભેળસેળ સામે રાજ્ય સરકાર કડક હાથે કામગીરી લઇ રહી છે. જેના માટે આ ફૂડ સેફટી ઓન વ્હિલ્સ વાનમાં મિલ્ક એનાલાયઝર-મિલ્કો સ્કેન મીટર પણ મૂકવામાં આવ્યું છે. જેના કારણે દૂધમાં થતી ભેળસેળની પણ સ્થળ તપાસ કરવામાં આવશે. જેથી દૂધમાં થતી ભેળસેળને હવે સરળતાથી અટકાવી શકાશે.