વડોદરા,તા.૮  

વડોદરા શહેરના કોંગી અગ્રણી અને રાજ્યના પૂર્વ શહેરી વિકાસ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી રમેશભાઈ ઠાકોરનું કેન્સરની બીમારીને લઈને નિધન થયું હતું. તેઓએ કેન્સરની બીમારી સામે સતત ઝઝૂમ્યા પછીથી અંતિમ શ્વાસ લીધા હતા.નવાપુરા પોલીસ મથક પાસે આવેલ ગંગોત્રી એપાર્ટમેન્ટ પાસેના તેઓના નિવાસ સ્થાનેથી નીકળેલી સ્વર્ગસ્થની સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં શહેર -જિલ્લાના કોંગ્રેસના અગ્રણીઓ અને મિત્રો તથા શુભેચ્છકો જોડાયા હતા.તેઓના પાર્થિવદેહને ગાજરાવાડી રામનાથ સ્મશાન ખાતે અગ્નિદાહ અપાયો હતો.આ સમયે ઉપસ્થિત અગ્રણીઓએ અશ્રુભીની આંખે સ્વર્ગસ્થને અંતિમ વિદાય આપી હતી.છેલ્લા કેટલાક દિવસોને બાદ કરતા પૂર્વ મંત્રી રમેશ ઠાકોર પક્ષના અને પ્રજાના કાર્યોને માટે સતત સક્રિય રહયા હતા.તેઓ પાલિકા સહિતની વિવિધ કચેરીઓમાં પ્રજાના પ્રશ્નોને લઈને સતત હાજરી આપતા હતા.તેમજ જરૂરત પડે ત્યાં ધારદાર રજૂઆતો પણ કરતા હતા. તેઓની અંતિમ યાત્રામાં જોડાયેલા અગ્રણીઓમાં શહેર પ્રમુખ પ્રશાંત પટેલ,પાલિકાના વિપક્ષી નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ-ભથ્થું, અમિત ઘોટીકર સહિતના કોંગી અગ્રણીઓનો સમાવેશ થાય છે.તેઓએ આજે સવારે સાડા નવ કલાકે અંતિમ સ્વાશ લીધાનું પુત્ર દેવાંગ ઠાકોરે જણાવ્યું હતું.તેઓ પોતાની પાછળ પત્ની,બે પુત્ર,બે પુત્રીને વિલાપ કરતા મૂકી ગયા છે.