વડોદરા, તા.૨૫

કોંગ્રેસ અને આપની જાેરદાર જુગલબંદી હોવાનો આક્ષેપ કરતાં ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ડો. સુધાંશુ ત્રિવેદીએ કહ્યું હતું કે, ત્રિપલ તલ્લાક હોય, સર્જિકલ સ્ટ્રાઈક હોય બંને સાથે મળીને વિરોધ કરતા હતા. આ ચૂંટણીમાં તમામ રેકોર્ડ તોડવાની અપીલ તેમણે કરી હતી.

ભાજપે વિધાનસભા ચૂંટણીના અંતિમ તબક્કામાં હવે ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો છે. આજે વડોદરા આવેલા ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ડો. સુધાંશુ ત્રિવેદીએ જણાવ્યું હતંુ કે, પહેલાં ગુજરાતમાં લોકો એક સ્થળેથી બીજા સ્થળે ડરતા હતા, કરફયૂનો ડર સતાવતો હતો. હવે ભાજપના શાસનમાં લોકો સુરક્ષિત મહેસૂસ કરે છે. વડાપ્રધાન મોદી સરદાર પટેલના વિચાર સાથે ચાલ્યા, તો કેટલાકે રોડાં નાંખવાનું કામ કર્યું. કોંગ્રેસે તેમના મૃત્યુ બાદ પણ એક સ્થાન તેમના નામ સાથે નહીં જાેડયું. તેમણે એમ પણ કહ્યું હતું કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટી સરદાર પટેલની પ્રતિમાને શ્રદ્ધાસુમન અર્પણ કરવા આજ સુધી એકપણ કોંગ્રેસી કેમ નથી ગયા?

વધુમાં તેમણે કહ્યું હતું કે, આ ચૂંટણીમાં કોંગ્રેસે ફક્ત પોતાની જમીન બચાવવી છે. ‘આપ’એ હેસિયત બનાવવી છે અને ઓવૈસીએ આગ લગાડવી છે, જ્યારે ભાજપે સરકાર બનાવવી છે. કોંગ્રેસ અને ‘આપ’ની જાેરદાર જુગલબંધી છે તેવો આક્ષેપ કરતાં તેમણે કહ્યું હતું કે, ત્રિપલ તલ્લાક હોય કે સર્જિકલ સ્ટ્રાઈક હોય બંને સાથે મળીને વિરોધ કરતા હતા. રાહુલ ગાંધી નામના ગાંધી લગાવે છે તો ક્યારેક ગાંધીજી વિશે વાંચી પણ લે. ડો. સુધાંશુ ત્રિવેદીએ એમ પણ કહ્યું હતું કે, સરદાર સરોવર થકી જ્યાં શક્ય ન હતું ત્યાં પાણી પહોંચાડયું. મોઢેરા દેશમાં એકમાત્ર એવું ગામ છે જે સૌરઊર્જા થકી ચાલે છે. ગુજરાતે ર૦૦૧ પછી આજે વધુ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે તેમ તેમણે કહ્યું હતું.