આણંદ : કાનૂની દાવપેચમાં અટવાયેલી અમૂલ ડેરીની ચૂંટણી પૂર્ણ થયાં બાદ એક મહિનાનો સમય વિતી ગયો હોવા છતાં હજુ સુધી ચેરમેન-વાઇસ ચેરમેનની પસંદગી થઈ શકી નથી. અહોવાલો મુજબ, સરકાર દ્વારા સરકારી પ્રતિનિધીઓની નિયુક્તિ કરવામાં આવે તે પહેલાં તેની સામે કોંગ્રેસ સમર્થિત ડિરેક્ટરોએ હાઇકોર્ટમાં દાદ માગી છે. કોંગ્રેસ સમર્થિત ડિરેક્ટરોએ કરેલી અરજી પર હવે આગામી ૫મી ઓક્ટોબરે વધુ સુનાવણી યોજાવાની હોવાનું જાણવા મળ્યું છે. 

સૂત્રોના જણાવ્યાં મુજબ, ગત ૨૯ ઓગસ્ટે અમૂલ ડેરીની ચૂંટણી યોજાઈ હતી. ૩૧ ઓગસ્ટે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. પરિણામ બાદ સ્થિતિ સ્પષ્ટ થઈ હતી કે, કોંગ્રેસ સમર્થિત ૮ ડિરેક્ટર ચૂંટાયા હતાં, જ્યારે ૪ ડિરેક્ટર ભાજપ સમર્થિત ચૂંટાયા હતા. સહકારી કાયદા મુજબ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના એમડી અને જિલ્લા રજિસ્ટ્રાર બે નોમીની તરીકે નિમવામાં આવે છે. અમૂલ ડેરી દ્વારા ખેડા જિલ્લા મધ્યસ્થ બેંકમાંથી લીધેલી લોન ભરપાઈ કરી દેવામાં આવતાં હવે બેંકના પ્રતિનિધિની પણ એક બેઠક ઓછી થઈ ગઈ હતી. હાલમાં ૧૫ ડિરેક્ટરનું નિમાયક મંડળ આગામી ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરશે, તેવું લાગી રહ્યું હતું.

જાેકે, રાજ્ય સરકાર દ્વારા અમૂલ ડેરીમાં વધારાના સરકારી પ્રતિનિધીઓ મૂકીને આડકતરી રીતે અમૂલની સત્તા હસ્તગત કરવાની પેરવી કરતાં હોવાની જાણ થતાં જ અમૂલના પૂર્વ વાઇસ ચેરમેન અને કોંગ્રેસના એમએલએ તથા હાલમાં બોરસદ બ્લોકથી ચૂંટાઈ આવેલાં ડિરેક્ટર રાજેન્દ્રસિંહ પરમાર, આણંદ બ્લોકના કાન્તીભાઈ સોઢા પરમાર સહિત કોંગ્રેસ સમર્થિત ડિરેક્ટરોએ હાઇકોર્ટમાં અરજી કરીને એવી દાદ માગી છે કે, અમૂલ સહકારી ધોરણે સ્થપાયેલી સ્વાયત્ત સંસ્થા છે અને તેનું કોઈ સરકારી લેણું કે લોન વગેરે કંઈપણ બાકી નથી, જેથી સરકાર પોતાના પ્રતિનિધી આ સ્વાયત સંસ્થામાં નિમી શકે નહીં. આ અરજી પર સોમવારે હાઇકોર્ટમાં સુનાવણી યોજાવાની હતી. જાેકે, સરકાર તરફે મુદ્દતની માગણી કરતાં હવે આ કેસની વધુ સુનાવણી ૫મી ઓક્ટોબરના રોજ આગામી સોમવારે યોજાશે. આ સુનાવણી પર આણંદ, ખેડા અને મહિસાગરના પશુપાલકોની મીટ મંડાયેલી છે. આમ તો સામાન્ય રીતે ચૂંટણી યોજાઈ ગયાંના એક મહિનાની અંદર ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરી દેવાની હોય છે. અમૂલનો મામલો હાઇકોર્ટમાં પહોંચતા હાઇકોર્ટ શું નિર્ણય લે છે તેનાં પર વાત અટકેલી છે. હાઇકોર્ટના ચુકાદા બાદ જ હવે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીઓ યોજાશે, તેમ માનવામાં આવી રહ્યું છે.