અંબાજી : બનાસકાંઠા જિલ્લાની દાંતા તાલુકા પંચાયતની યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસ ફરી એકવાર સત્તાના સુત્રો સંભાળ્યા છે. દાંતા તાલુકા પંચાયતમાં બુધવારના રોજ અઢી વર્ષની બીજી ટર્મ માટે પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ચૂંટણી યોજાઈ હતી. તાલુકા પંચાયતના કુલ ૨૬ સભ્યોમાંથી ૧૭ સભ્યો કોંગ્રેસના અને ૯ સભ્યો ભાજપ હતા. જેમાં ભાજપના ૪ સભ્યો બળવો કરી ભાજપમાં જતા ભાજપનું સંખ્યા બળ ૧૩ થયું હતું. જેના પગલે મતદાનમાં બંને પાર્ટીને તેર તેર મત મળતા ટાઈ પડી હતી. આમ તો કોંગ્રેસના ૧૭ સભ્યો જોતા કોંગ્રેસની સ્પષ્ટ જીત નિશ્ચિત હતી, પણ ૪ સભ્યો બળવો કરી જતા કોંગ્રેસની પરિસ્થિતિ વણસી હતી, પણ આંગળી ઊંચી કરી કરાયેલા મતદાનમાં બંને પાર્ટીને તેર તેર સરખા મત મળતા થયેલી ટાઈ દરમિયાન ચિઠ્ઠી ઉછાળી જીત નિશ્ચિત કરવાનુ કાર્ય હાથ ધરાતા કોંગ્રેસનો ફરી એક વાર વિજય થયો હતો. જેમાં નવા પ્રમુખ તરીકે જ્યોત્સનાબેન તરાલને ચૂંટાયેલા જાહેર કરાયા હતા. જ્યારે ઉપપ્રમુખ માટે પણ ટાઈ પડતા ચિઠ્ઠી ઉછાળવામાં આવી હતી. જેમાં ભાજપના નેહલબેન ઠાકોર વિજય બન્યા હતા. કોંગ્રેસે હારેલી બાજી જીતમાં પરિણમી હતી. જોકે આ પ્રસંગે દાંતા મતવિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી પણ ઉપસ્થિત રહ્યાં હતાં.બળવો કરી ગયેલા ચાર ઉમેદવારો સામે પક્ષાંતર ધારા મુજબ કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું હતું.આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન મીડિયા કર્મીઓને બહાર રાખી બંધ બારણે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી.