ગાંધીનગર,ગુજરાતમાં ડ્રગ્સનું જે નેટવર્ક વધતું જઈ રહ્યું છે તેની સામે તાત્કાલિક કડક અંકુશ આવે તે માટેની કાર્યવાહી કરવા તેમજ આ મામલે તપાસ કરવા અંગે ગુજરાત કોંગ્રેસના પ્રતિનિધિ મંડળ દ્વારા આજે રાજ્યપાલને મળીને આવેદનપત્ર અપાયું હતું. જેમાં રાજ્યમાં દારૂબંધીનો કાયદો હોવા છતાં રોજનો ત્રીસ લાખ રૂપિયાનો દારૂ પકડાય છે તેની પાછળ ભાજપના હપ્તાખોર શાસકો જવાબદાર હોવાનો પણ આક્ષેપ કર્યો છે. એટલું જ નહિ હાઇકોર્ટના સિટિંગ જજની દેખરેખમાં એક તપાસ પંચની નિમણુક કરવાની પણ માંગણી કરાઈ છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, પ્રદેશ મહામંત્રી નિશીથ વ્યાસ, પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા, ભરતસિંહ સોલંકી, ધારાસભ્યો શૈલેશ પરમાર, વીરજી ઠુંમર, સી. જે. ચાવડા અને પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર સહીતનું એક પ્રતિનિધિ મંડળ આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મળ્યું હતું. કોંગ્રેસના પ્રતિનિધિ મંડળ દ્વારા રાજ્યપાલને એક આવેદન પત્ર પાઠવ્યું હતું. જેમાં એવી રજૂઆત કરાઈ હતી કે, ગુજરાતમાં દારૂબંધીનો પણ કાયદો છે, પરંતુ તેની અમલવારીમાં રાજ્યની ભાજપ સરકાર સદંતર નિષ્ફળ નિવડી છે તથા રાજ્યનો એક- એક વ્યક્તિ આ કાયદાની શું જમીની હકીકત છે તે જાણે છે. ત્યારે બીજી તરફ છેલ્લા છ મહિનાની અંદર જ ગુજરાતમાંથી ૨૫ હજાર કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે જેમાં શાસકો સાથે જાેડાયેલા મોટા માથાઓની સામેલગીરીને સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે, છપ્પનની છાતીની વાતો કરનારા શાસકો ગુજરાતની સરહદો સાચવવામાં પણ સંપૂર્ણ નિષ્ફળ રહ્યા છે. ગુજરાતમાં નશાબંધી હોવા છતાં છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં ૨૦૦ કરોડથી પણ વધારે રકમનો દારુ પકડાતો હોય, એટલે કે, દરરોજ લગભગ ત્રીસ લાખ રૂપિયાનો દારુ પકડાતો હોય, જે શાસકોની હપ્તાખોરી અને ગુજરાતની યુવા પેઢીને બરબાદ કરવાના કાવતરાના ભાગરૂપે જ છે. ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓના ચાલી રહેલા આયોજનબદ્ધ નેટવર્ક માટે ક્યાંક ને ક્યાંક ભાજપના હપ્તાખોર શાસકો જવાબદાર છે.મોંઘા શિક્ષણ, બેરોજગારીથી ઝઝૂમી રહેલા ગુજરાતના શિક્ષિત, સક્ષમ યુવાનોથી રાજ્યને

સમૃદ્ધ બનાવવાનું હોય, વિકસિત બનાવવાનું હોય તેના સ્થાને તેને અવળા રસ્તે નશાના રવાડે ચડાવવાનું ષડ્યંત્ર ચાલી રહ્યું છે. ગુજરાત સરકારના ભાજપના શાસકો પોતાની હપ્તાખોરીની લાલચને કારણે, સામેલગીરીના કારણે ડ્રગ્સ માફિયાઓના નેટવર્કને રોકવામાં, નાથવામાં આંખ આડા કાન કરીને યુવાપેઢીને બરબાદ કરવાના કાવતરાઓમાં ભાગીદાર અને કારણભૂત બની રહ્યા છે.