વડોદરા

વડોદરા મહાનગર પાલિકાની ૨૧ ફેબ્રુઆરીના રોજ યોજાનાર ચૂંટણીના પ્રચાર માટે શહેરમાં ત્રણ સભાઓ ગજવવા માટે આવી રહેલા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના આગમન પહેલાં પોલીસ દ્વારા વહેલી સવારથી જ કોંગ્રેસના ત્રણ નેતાઓ ઋત્વિજ જાેશી દેવાંગ ઠાકોર અને નીલેશ બ્રહ્મભટ્ટ (જગો)ને પોલીસે એમના નિવાસસ્થાને જ નજરકેદ કર્યા હતા. જેને લઇને રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી જવા પામ્યો છે. આ બાબતે ભાજપ હાર ભાળી જતાં કોંગ્રેસના નેતાઓને લક્ષ્યાંક બનાવ્યાનો આક્ષેપ નજરકેદ કરાયેલા કોંગ્રેસના નેતાઓએ કર્યો છે. આ ઉપરાંત તેઓએ આ પ્રમાણેનું કૃત્ય કરીને ભાજપે ચૂંટણી પંચને હાથો બનાવીને સરકારી મીશનરીનો દુરુપયોગ કર્યાનું જણાવ્યું હતું. આ નજરકેદને લઇને નેતાઓ એક દિવસ માટે ચૂંટણી પ્રચાર કરી શક્યા નથી એનો પણ બળાપો ઠાલવ્યો હતો.

મુખ્યમંત્રી વિજય રૂપાણી વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોનો પ્રચાર કરવા આવનાર હતા. તેઓ સાંજના સમયે એક કલાકના અંતર વચ્ચે પહેલી ચૂંટણી સભા તરસાલીમાં, બીજી ચૂંટણી સભા કારેલીબાગમાં અને ત્રીજી સભા નિઝામપુરામાં સાંજે પાંચ વાગ્યાથી ગજવનાર હતા. ત્યારે વડોદરામાં મુખ્યમંત્રીના આગમન પહેલા કોંગ્રેસના નેતાઓને નજરકેદ કરાયા હતા. ત્યારે કોંગ્રેસના નેતાઓને નજરકેદ કરવામાં આવતા કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે.

વડોદરામા મુખ્યમંત્રી આવવાના હોઈ કોંગ્રેસના નેતાઓ વિરોધ ના કરે તે માટે તેઓને નજરકેદ કરાયા છે. વડોદરા શહેરમાં કોંગ્રેસ અગ્રણી અને પ્રવક્તા ઋત્વિજ જાેષીને પોલીસે નજર કેદ કર્યાં છે, જેથી તેઓએ આદર્શ આચારસંહિતાનો ભંગ ગણાવીને ચૂંટણી અધિકારી સમક્ષ લેખિતમાં ફરિયાદ કરી છે. ચૂંટણી પ્રચારમાં અડચણ ઉભી કરવાનો કોંગ્રેસનો આરોપ છે. આંકલાવ અને ઉમરેઠ જિલ્લાના કોંગ્રેસના પ્રભારી નિલેશ બ્રહ્મભટ્ટ(જગો)એ આરોપ મૂક્યો હતો કે ભાજપ સરકારી મીશનરીનો દુરુપયોગ કરી રહી છે. ભાજપ કોંગ્રેસના સૈનિકને દબાવી રહી છે. મુખ્યમંત્રી વડોદરામાં ભાજપના સ્ટાર પ્રચારક તરીકે આવી રહ્યા છે, ત્યારે નજરકેદ કેમ કરાયા? કોંગ્રેસ અગ્રણી અને પ્રવક્તા ઋત્વિજ જાેષીએ જણાવ્યું હતું કે, ભારતીય સૈનિકો પર પુલવામાના આંતકવાદી હુમલામાં શહિદ થયેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા નમન કરું છું. કોંગ્રેસના સૈનિકો પર ભાજપ દ્વારા આચરસંહિતાનું ઉલ્લંઘન કરતો જે હુમલો કરવામાં આવ્યો છે, તેની નિંદા કરુ છું. ભાજપના સ્ટાર પ્રચારક વિજય રૂપાણી ચૂંટણી પ્રચાર અર્થે વડોદરા આવી રહ્યા છે, ત્યારે કોંગ્રેસના સૈનિકોને નજરકેદ કરવામાં આવે તે કેટલું યોગ્ય? મારી ઘરે પોલીસે મને નજરકેદ કર્યો છે એમ તેઓએ જણાવ્યું હતું.