વડોદરા, તા.૩

વડોદરા મહાનગરપાલિકાની તાજેતરમાં મળેલી સામાન્ય સભામાં કોર્પોરેશનની ૯ ખાસ સમિતિઓની રચના કરવામાં આવી હતી. આ સમિતિઓમાં સભ્યોની કરાયેલી વરણીમાં ૮ સમિતિમાં કોંગ્રેસના ૬ સભ્યોને મૂકવામાં આવ્યા છે. જાે કે, કોંગ્રેસે આનો વિરોધ કરી વિપક્ષ તરીકે શહેરના હિતમાં નિર્ણય ન લઈ શકતા હોય તો આવી સમિતિમાં રહેવાનો કોઈ અર્થ નથી તેમ કહીને કોંગ્રેસના સભ્યોએ સમિતિના સભ્યપદેથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે.

વડોદરા મહાનગરપાલિકાની ૯ ખાસ સમિતિઓમાં લીગલ સમિતિને બાદ કરતાં પબ્લિક વર્કસ, વોટર વર્કસ, ડ્રેનેજ અને સુએઝ, આરોગ્ય, ટાઉનપ્લાનિંગ, એસ્ટેટ મેનેજમેન્ટ, રિક્રિએશનલ અને કલ્ચરલ તેમજ વિદ્યુત સમિતિમાં કોંગ્રેસના ૬ સભ્યોને સભ્યપદ આપવામાં આવ્યું છે. શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે આ અંગે જણાવ્યું હતું કે, અમે ૭ કોર્પોરેટરો સાથે મળીને નિર્ણય કર્યો છે કે, પાલિકામાં કોંગ્રેસને વિપક્ષનું નેતાપદ આપ્યું નથી. ઉપરાંત જે સમિતિમાં વિપક્ષ તરીકે શહેરના હિત્માં કોઈ નિર્ણય લઈ શકતા ન હોય તો બહુમતીના જાેરે ધાર્યું કરવાના હોય ત્યારે આવી સમિતિમાં રહેવાનો કોઈ અર્થ નથી અને હાલની કોરોનાની મહામારીમાં આવી સમિતિઓની જગ્યાએ પાલિકા દ્વારા લોકોની કઈ રીતે સેવા કરી શકાય, લોકોને બચાવવા માટે ઓક્સિજન, રેમડેસિવિર ઈન્જેકશન વગેરે મળી રહે તે માટેની સમિતિ બનાવવી જાેઈએ. જ્યારે વિકાસની વાતો કરીને મિટિંગ કરવી કેટલું યોગ્ય છે? માત્ર આંગળી ઊંચી કરવા સમિતિમાં કોંગ્રેસ રહેવા માગતી નથી. કોંગ્રેસ આંગળી ઊંચી કરનારી પાર્ટી નથી. જેથી અમે અપીલ કરીએ છી કે કોર્પોેરેશનની કમિટી બનાવો અને લોકોને જઈને તેમની તકલીફ પૂછો અને તેમના પ્રશ્નો હલ કરો, બાકી આવી કોઈ કમિટીમાં કોંગ્રેસ રહેવા માગતી નથી. જેથી શહેરના હિતમાં નિર્ણય ન લઈ શકીએ એવી કમિટીમાંથી રાજીનામાં આપીએ છીએ. શહેરના હિતમાં પાલિકાની કમિટી બનાવો અને ગલીએ-ગલીએ સમસ્યા છે તે પૂછવા માટે કમિટી બનાવો. આવી કમિટીમાં કોંગ્રેસના કાઉન્સિલરોના નામ નહીં હોય તો પણ અમે તમારી સાથે રહીશું તેમ જણાવ્યું હતું.

૯ સમિતિના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની વરણી ઃ કોંગ્રેસના સભ્યોનો બહિષ્કાર

કોર્પોરેશનની સામાન્ય સભા તાજેતરમાં ઓનલાઇન મળી હતી. જેમાં કોર્પોરેશનની ખાસ ૯ સમિતિની રચના કરવામાં આવી હતી. સભ્યોની નિયુક્તિ બાદ આજે કોર્પોરેશનમાં તમામ ૯ સમિતિના અધ્યક્ષ તેમજ ઉપાધ્યક્ષની વરણી કરાઈ હતી. કોંગ્રેસના સભ્યોએ બહિષ્કાર કર્યો હતો અને નિયુક્તિ વખતે ઉપસ્થિત રહ્યા ન હતા. મેયરને કોગ્રેસના કાઉન્સિલરોએ તમામ સમિતિઓમાંથી રાજીનામું આપતો પત્ર આપ્યો હતો.કોર્પોરેશનમાં આજે સવારથી એક પછી એક સમિતિની મિટિંગ બોલાવી અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની વરણી કરવામાં આવી હતી. બપોર સુધીમાં તમામ સમિતિના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની નિયુક્તિની કામગીરી પૂરી કરાઈ હતી. સામાન્ય રીતે કમિટીના સભ્યોની જે યાદી સભામાં મંજૂર કરાય છે તેમાં પ્રથમ બે નામ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષના હોય છે, પરંતુ આજે સત્તાવાર તેઓની નિયુક્તિ કરવામાં આવી હતી. આ નિયુક્તિ બાદ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને તેમની ઓફિસો ફાળવાતાં તેઓએ ચાર્જ સંભાળી લીધો છે. કોર્પોરેશનની સ્ટેન્ડિંગ સમિતિ ઉપરાંત ૯ ખાસ સમિતિમાં પબ્લિક વર્કસ, વોટર વર્કસ, ડ્રેનેજ અને સુએઝ, આરોગ્ય, ટાઉન પ્લાનિંગ, એસ્ટેટ મેનેજમેન્ટ, રિક્રિએશનલ અને કલ્ચરલ, વિદ્યુત તેમજ લીગલ સમિતિનો સમાવેશ થાય છે. વર્ષ ૨૦૧૬માં આ પ્રકારની સત્તા સમિતિઓને આપી સ્ટેન્ડિંગ સમિતિએ તેના પાવર ડેલીગેટ કર્યા હતા. સ્ટેન્ડિંગ સમિતિના રૂપિયા ૧૫ લાખથી વધુ રકમના ટેન્ડર મંજૂર કરવા સત્તા આપવામાં આવી છે. આ સમિતિઓમાંથી લીગલ સમિતિમાં પાંચ સભ્યોની, જ્યારે બાકીની સમિતિમાં ઓછામાં ઓછા ત્રણ અને વધુમાં વધુ ૧૨ સભ્યોની નિમણૂક કરવામાં આવે છે. આ વખતે લીગલ સમિતિમાં ૫ અને બાકીની સમિતિઓમાં ૧૦ સભ્યોની નિયુક્તિ કરાઇ છે.