વડોદરા : વડોદરા મહાનગર પાલિકાની આગામી ૨૧ ફેબ્રુઆરીના રોજ યોજાનાર ચૂંટણીઓને લઇને કોંગ્રેસમાં ઓછા દાવેદારો હોવા છતાં પણ સૌથી વધુ યાદવાસ્થળી જાેવા મળી રહી છે. કોંગ્રેસે ત્રણ દિવસ પહેલા ૨૦ ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. જેમાં કોંગ્રેસના સિનિયર કાઉન્સીલરો ચિરાગ ઝવેરી અને અમી રાવતને ટીકીટ આપવામાં આવી ન હતી. આ બાબતને લઇને ભારે ઉહાપોહ સર્જાયો હતો. ત્યારબાદ અનેક વાદવિવાદો પછી કોંગ્રેસ દ્વારા પછી આજે મોડી રાત્રે બીજી યાદી જાહેર કરવામાં આવી છે એમા બાકી રહેલી ૫૬ બેઠકો પૈકી વધુ ૪૯ બેઠકોની યાદી જાહેર કરાઇ છે. જાેકે તેમ છતાં પાલિકાના તમામ ૧૯ ઇલેક્શન વોર્ડની ૭૬ બેઠકો માટે હજુ સાત ઉમેદવારો જાહેર કરવાના બાકી રહ્યા છે જે આવતીકાલે ૬ ફેબ્રુઆરીના રોજ ફોર્મ ભરવાના છેલ્લા દિવસે જાહેર કરાઇ એવી સંભાવના છે. આમ કોંગ્રેસમાં ભાજપ કરતા પણ વધુ ભાંજઘડ હોવાની બાબત સામે આવવા પામી છે. એ જાેતાં કોંગ્રેસમાં ઉમેદવારોની પસંદગી લઇને ઉકળતો ચરુ જાેવા મળે છે એ જાેતા આવતીકાલે કાર્યકરોનો રોષ મોટા પ્રમાણમાં ફાટી નીકળે તો નવાઇ પામવા જેવુ રહેશે નહીં.

કોંગ્રેસે જે યાદી જાહેર કરી છે એમાં વોર્ડ નં.૫, ૬, ૮ અને ૧૮ની પેનલના ચારે ચાર ઉમેદવારોની પસંદગી કરવામા આવી છે જ્યારે વોર્ડ નં.૩, ૧૨, ૧૪ અને ૧૫ના ત્રણ-ત્રણ ઉમેદવારો જાહેર કરાયા છે. જ્યારે વોર્ડ નં.૧, ૭, ૧૦, ૧૧, ૧૩, અને ૧૬ના બે-બે ઉમેદવારો જાહેર કરાયા છે. એ સિવાય વોર્ડ નં.૩માં માત્ર એક જ ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. આ અગાઉની યાદીમાં વોર્ડ નં.૧, ૭, ૧૧, ૧૩, અને ૧૬માં બે-બે ઉમેદવારો જાહેર કરાયા હતા. વોર્ડ નં.૪ની ચાર ઉમેદવારની આખી પેનલ જાહેર કરાઇ હતી. જ્યારે વોર્ડ નં.૨, ૯, ૧૭ અને ૧૯માં એક એક ઉમેદવારો જાહેર કરાયા હતા. આમ બંને યાદી જાેતા હજુ કોંગ્રેસને સાત ઉમેદવારોની પસંદગી કરવાની બાકી રહી છે જેમાં વોર્ડ નં. ૨, ૩, ૧૨, ૧૪ અને ૧૫માં એક એક તથા વોર્ડ નં.૧૦માં બે ઉમેદવારોની પસંદગી કરવાની બાકી રહે છે આમ હજુ કોંગ્રેસે સાત બેઠકોમાં ભારે જુથવાદ અને રોષ નડી રહેતા એ બેઠકો છેલ્લી ઘડી સુધી અનિર્ણિત રહેવા પામી છે.

કોંગ્રેસના વોર્ડ ૧૪ કાર્યકરોનો કોંગ્રેસ ઓફિસે ઉગ્ર વિરોધ - રોષ વ્યક્ત કર્યો

વડોદરા,તા.૫

વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા પણ ભાજપની માફક ટીકીટ વાંછુંઓ પાસેથી પાલિકાની ચૂંટણી પહેલા વધુને વધુ લોકોને કોંગ્રેસ સાથે જાેડવાને માટે કસરત કરાવવામાં આવી હતી. તેમજ જેઓ પક્ષના ડીજીટલ પ્લેટફોર્મ પર વધુને વધુ સભ્યો બનાવશે તેઓને ટિકિટ આપવાને માટે પ્રાધાન્ય આપવામાં આવશે એવી ખાતરી ઉચ્ચારવામા આવી હતી. આ પ્લેટફોર્મ પર અઢી હજાર સભ્યપદનો ટાર્ગેટ પ્રત્યેક ટીકીટ વાંછુઓને આપવામાં આવ્યો હતો. પાલિકાની ચૂંટણીઓમાં ટીકીટ મેળવવાની લાલચમાં ઘણા ટીકીટ વાંછછુઓએ આ ટાર્ગેટ પૂર્ણ કર્યો હતો. પરંતુ તેઓને ટીકીટ ન મળતા ગવૉર્ડ-૧૪ના કાર્યકરો દ્વારા પક્ષના કાર્યાલય પર વિરોધ પ્રગટ કરીને ઉગ્ર દેખાવો અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા બાકી ઉમેદવારોના નામની યાદી બહાર પડાઈ નથી અને બીજી બાજુ કેટલાક ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરી ઉમેદવારી પત્રક ભરવાનું જણાવવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે ત્યારે વોર્ડ ન.૧૪ ના કાર્યકર સન્ની ચૌહાણને પ્રદેશ પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે પણ કોંગ્રેસ પક્ષમાં ડિજિટલ મેમ્બર તરીકે ૨૦૦૦ સભ્ય બનાવે તેને ટીકીટ આપવામાં આવશે પરંતુ હવે એવી જાણ થઈ છે કે બીજા જ ઉમેદવારોને ફોન કરી ટિકિટ આપી હોવાની જાણ સન્ની ચૌહાણને થતા પોતાના સમર્થકો સાથે દાંડીયા બજાર સ્થિત કોંગ્રેસ કાર્યાલય પર પહોંચી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.