વડોદરા

શહેર-જિલ્લા કોંગ્રેસ દ્વારા અલગ અલગ બે સ્થળો ઉપર ધરણાં યોજી કોરોનાની સારવાર માટેની સુવિધાઓ વધારવા માગ કરવામાં હતી. સયાજીગંજ કાલાઘોડા સર્કલ ખાતે અને જિલ્લા પંચાયત ભવનના પ્રાંગણમાં કોંગ્રેસ અગ્રણીઓ, કાર્યકરોએ સોશિયલ ડિસ્ટન્સ જાળવી હાથમાં પ્લેકાર્ડ લઈ રાજ્ય સરકારની કામગીરીનો વિરોધ પ્રદર્શન કરી માગો અંગેની લાગણી પ્રદર્શિત કરી હતી.

કોરોનાની મહામારીમાં છેલ્લા એક વર્ષ ઉપરાંતના સમયથી નાગરિકો આરોગ્યની સુવિધા માટે વલખાં મારી રહ્યાં છે.

 રાજ્ય અને શહેરમાં આવેલી સરકારી હોસ્પિટલોમાં મર્યાદિત આરોગ્ય વ્યવસ્થા અને હોસ્પિટલોમાં મોંઘી આરોગ્ય સેવાઓને કારણે પ્રજા આર્થિક ભીંસમાં પીસાઈ રહી છે. ત્યારે ભારત સરકાર અને ગુજરાત સરકારે કોરોનાની મહામારીમાં પ્રજાનો જીવ બચાવવા માટે આરોગ્યની સુવિધા પૂરી પાડવી જાેઈએ, પરંતુ હાલ રેમડેસિવિર ઈન્જેકશનોની અછત, ઓક્સિજનના ફાંફાં, વેન્ટિલેટર અને આઈસીયુ બેડ ઉપલબ્ધ નહીં થતા હોવા ઉપરાંત મર્યાદિત વેક્સિનેશનને કારણે પ્રજા લાચાર બની હોવાનું કોંગ્રેસની અખબારીયાદીમાં જણાવાયું છે.

શહેરમાં સરકારી અને ખાનગી હોસ્પિટલો મળી રપ૦ જેટલા કોવિડ સેન્ટર આવેલા છે. જ્યારે જિલ્લામાં ૪૦ ઉપરાંત છે. હોમ ક્વોરન્ટાઈન સંક્રમિતોની સંખ્યા પણ મોટી માત્રામાં . રાજ્ય સરકાર અને મહાનગરપાલિકા દ્વારા ગેરવહીવટને કારણે લાખો લોકો કોરોના સંક્રમિત થયા અને હજારો કોરોના સંક્રમિત દર્દીઓ મોતને ભેટયા છે. આવી પરિસ્થિતિ વધુ વણસે એ પહેલાં સરકારની આંખો ખોલવા માટે શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ, કોંગ્રેસ અગ્રણી ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ, અન્ય કોર્પોરેટરો અને કાર્યકરોએ કાલાઘોડા અને જિલ્લા કોંગ્રેસ અગ્રણીઓએ જિલ્લા પંચાયત ભવનના પ્રાંગણમાં દેખાવો યોજ્યા હતા.