વડોદરા

પાલિકાની ચૂંટણીના પડઘમ શરૂ થઈ ચૂકયા છે અને આચારસંહિતાનો અમલ પણ શરૂ થઈ ચૂકયો છે. ત્યારે કોરોના ફ્રન્ટલાઈન વોરિયર્સને હાલ કોરોના રસી આપવાની પ્રક્રિયા ચાલુ છે તેવા સમયે વેક્સિનનો લાભ લેનાર તબીબ તેની સાથે જાેડાયેલા રસીના લાભાર્થીઓને આપવામાં આવતા હેલ્થ સર્ટિફિકેટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો હોવાથી જે આચારસંહિતાનો ભંગ કરે છે તેમ શહેર કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું. આ મામલે જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારીને રજૂઆત કરી હતી.

વૈશ્વિક મહામારી કોરોનામાં ભારતે રસી શોધ્યા બાદ હાલ વડોદરામાં રસીકરણ ચાલી રહ્યું છે. ચાલી રહેલા રસીકરણમાં ફ્રન્ટલાઈન વોરિયર્સને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. અત્યાર સુધી અંદાજે ૭૫૦૦થી વધુ હેલ્થ વર્કરોને રસી આપવામાં આવી છે અને આ હેલ્થ વર્કરોને આપવામાં આવતા હેલ્થ સર્ટિફિકેટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર હોય જે આચારસંહિતાનો ભંગ કરે છે તે સામે શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ (ટીકા)એ વાંધો ઉઠાવ્યો હતો અને આ મામલે ચૂંટણી સમયે આચારસંહિતાનો ભંગ ગણાવી આજે જિલ્લા ચૂંટણી અધિકારી કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું અને રજૂઆત કરી જણાવ્યું હતું કે જ્યારે પાલિકા, જિલ્લા, તાલુકા, નગરપાલિકાની ચૂંટણીઓ જાહેર થઈ છે અને આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે તેવા સમયે કોઈપણ સરકારી કાગળ પર નેતાનું નામ, ફોટો હોઈ શકે નહીં. ચૂંટણી જાહેર થઈ હોવા છતાં સરકારી સર્ટિફિકેટમાં નરેન્દ્ર મોદીનો ફોટો હોવો એ આચારસંહિતાનો ભંગ ગણાવ્યો હતો અને સરકારી સોફટવેરમાં બદલાવ કરી રસીકરણના લાભાર્થીઓ એવા હેલ્થ વર્કરોના સર્ટિફિકેટમાંથી તસવીર હટાવવામાં આવે એવી માગ કરાઈ છે.