વડોદરા,તા.૧

વડોદરા મહાનગર પાલિકામાં કોંગ્રેસ પક્ષને બદનામ કરતી ભાજપની અખબારી યાદી સામે કોંગ્રેસ દ્વારા પાલિકા કચેરી અને મેયર ઓફિસ ખાતે શહેર કોંગ્રેસના પ્રમુખ પ્રશાંત પટેલ અને પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવની આગેવાનીમાં ઉગ્ર દેખાવો યોજવામાં આવ્યા હતા.તેમજ મેયરની ગેરહાજરીમાં એમની કચેરી બહાર આવેદન લગાવી કમિશ્નરને પણ એની નકલ આપવામાં આવી હતી. જેમાં ભાજપ દ્વારા પોતાનો ભ્રષ્ટાચાર છુપાવવાને માટે વિપક્ષને બદનામ કરતી પ્રેસનોટ પણ પ્રજાને ગેરમાર્ગે દોરનાર હોવાનું જણાવીને એને લોકશાહીની ક્રૂર મજાક સમાન જણાવી છે. વધુમાં જણાવાયું છે કે વિપક્ષ પર ભ્રષ્ટાચારના આક્ષેપોે કરીભાજપ પોતાનું પાપ છુપાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. ૨૫ વર્ષના ભાજપના શાસનમાં જ્યારે જ્યારે ભ્રષ્ટાચાર આચરાયો છે.ત્યારે ત્યારે એને ઉજાગર કરવાનું કામ કોંગ્રેસે કર્યું છે. પરંતુ બહુમતીના જાેરે ભાજપ દ્વારા હંમેશા વિપક્ષનો અવાજ દબાવવાની કોશિષ કરવામાં આવી છે. પાલિકામાં કોંગ્રેસને વિપક્ષનું પદ નહીં આપવાના બદઇરાદાને લઈને ભાજપ દ્વારા પેટ્રા રચાયાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. વડોદરામાં આંખે ઉડીને વળગે એવા ભાજપના ભ્રષ્ટાચારોને કોંગ્રેસે ઉજાગર કરતા જણાવ્યું હતું કે, સ્માર્ટ સિટીના નામે, રોડ-રસ્તા,ડ્રેનેજ લાઈન, દુષીત પાણી,પ્રધાનમંત્રી -મુખ્યમંત્રી આવાસ યોજનાઓ, વિશ્વામિત્રી પ્રોજેક્ટ, સ્ટ્રીટ લાઈટ, તળાવ બ્યુટીફીકેશન, જનમહેલ, બ્રિજ પ્રોજેક્ટ, અતાપી, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, વડોદરા ટીપીઓ જેવા અનેક ભ્રષ્ટાચારો ભાજપ દ્વારા કરાયા છે. આ બાબતે વિજિલન્સ તપાસની માગ કરાઈ હતી. જેને બહુમતી અને સત્તાના જાેરે ભાજપે ફગાવી દીધી હતી.જાે ભાજપ દુધે દોહેલો અણીશુદ્ધ હોય તો કેમ આવું કરવું પડે છે?એવો પ્રશ્ન કોંગ્રેસે ઉઠાવ્યો હતો.