વડોદરા : વડોદરા શહેર-જિલ્લા કોંગ્રેસ દ્વારા રાજ્ય સરકારના અન્ન વિતરણ કાર્યક્રમ સામે નંદેસરી ખાતે અન્ન અધિકાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર અન્ન વિતરણ કાર્યક્રમ કરીને પોતાની નિષ્ફળતા ઢાંકવાનો પ્રયાસ કરી રહી હોવાનો કોંગ્રેસનો આક્ષેપ કર્યો હતો. સરકાર સામે પ્લે કાડ્‌ર્સ સાથે ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ કરી રહેલા શહેર-જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત ૧૫ ઉપરાંત કોંગ્રેસ કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.

ગુજરાતની રૂપાણી સરકાર ના ૫ વર્ષ પૂરા થતા વિવિધ કાર્યક્રમો યોજીને ઉજવણી કરવામાં આવી રહી છે. તો બીજી બાજુ કોંગ્રેસ દ્વારા પાંચ વર્ષમાં નિષ્ફળ પુરવાર થયાના આક્ષેપ સાથે સમાંતર વિવીધ કાર્યક્રમો યોજીને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આજે વડોદરા શહેર-જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા નંદેસરી બજારમાં અન્ન અધિકાર અભિયાન અંતર્ગત વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં જાેડાયા હતા. પોસ્ટર્સ અને બેનર્સ સાથે દેખાવો યોજીને સરકાર વિરોધી ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા.વિરોધ પ્રદર્શન કરી રહેલા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સાગર બ્રહ્મભટ્ટ (કોકો), શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ સહિત ૧૫ જેટલા કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.

પોલીસ તંત્ર દ્વારા અટકાયત કરવામાં આવતા કોંગ્રેસ કાર્યકરો દ્વારા સરકાર વિરોધી ભારે સૂત્રોચ્ચાર કરી સરકાર તમામ મોરચે નિષ્ફળ રહ્યાના આક્ષેપ સાથે પ્રજા માટે અવાજ ઉઠાવતા કોંગ્રેસ ઉપર કાયદાનો કોરડો વિંઝવા સામે રોષ વ્યક્ત કર્યો હતો.