સુરત-

ગુજરાતમાં હવે કોંગ્રેસે પોતાની કારમી હારના કારણો પર વિચાર કરીને પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. રાજ્યમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં કંગાળ દેખાવ પછી પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનારા નેતાઓ સામે કોંગ્રેસે પગલા પણ લીધા છે. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનારા સામે પાર્ટીએ શિસ્તભંગના પગલા ભર્યા છે. પક્ષે કડક હાથે કામ લઈને પક્ષમાંથી 15 જેટલા સભ્યો-નેતાઓને સસ્પેન્ડ કરી દીધા છે.

કોંગ્રેસે કેટલાંક એવા નેતાઓની સામે પણ કાર્યવાહી કરી છે, જેમણે સુરત મહાનગરપાલિકાની ચૂંટણીઓ દરમિયાન ફોર્મ પાછા ખેંચી લીધા હતા.  આ ઉપરાંત સુરતમાં ઓફિસમાં તોડફોડ કરનારા કેટલાક પક્ષના લોકો સામે પક્ષે કાર્યવાહી કરી છે.સુરત કોર્પોરેશનમાં એક પણ બેઠક મળી નથી. સુરતમાં કોંગ્રેસના નેતાઓની આંતરિક જુથબંધીને કારણે કારમો પરાજય થયો હોવાનું પક્ષે તારણ કાઢીને આવી કાર્યવાહી કરી હોવાનું મનાય છે. 

કોંગ્રેસ દ્વારા પક્ષના જે લોકોને સસ્પેન્ડ કરી દેવાયા છે તેમાં સુરતના જ્યોતિબેન સોજીત્રા, મમતા દુબે, કાનજી અલગોતર, હીના મુલતાની, રંજના ચૌધરી, સરફરાજ ઘાસવાળા,યોગેશ પટેલ, કિરીટ રાણા, શૈલેશ ટંડેલ, સની પાઠક, વિદ્યા પાઠક, રાજેશ મોરડિયા, અબ્દુલ્લાખાન પઠાણ, ફઇમ કરીમ શેખ અને ગુલાબ વરસાળેનો સમાવેશ થાય છે.