અમદાવાદ-

કોરોના વાયરસનું સંક્રમણ વધતાં સમગ્ર દેશમાં માર્ચ મહિનાથી લૉકડાઉન લગાવવામાં આવ્યું હતું. આ લૉકડાઉન દરમિયાન સ્કૂલો અને કોલેજાેમાં ફિઝિકલ શિક્ષણ કાર્ય પણ બંધ થઈ ગયું હતું. ત્યારે સરકારે ઓનલાઈન શિક્ષણને પ્રાધાન્ય આપ્યું હતું અને વિદ્યાર્થીઓને સ્કૂલો કોલેજાેમાંથી ઓનલાઈન શિક્ષણ મળતું થયું હતું. બીજી બાજુ સ્કૂલોની ફી અંગે મોટો વિવાદ જાગ્યો હતો. કોરોનાના કેસ ઓછા થતાં રાજ્યમાં ગત ૧૧ જાન્યુઆરીથી ધોરણ ૧૦ અને ૧૨ની સ્કૂલો શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે કોંગ્રેસ દ્વારા રાજ્યમાં વિવિધ અભ્યાસક્રમોમાં ઉચ્ચ શિક્ષણ મેળવતા પાંચ લાખ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને તાત્કાલીક એક સત્ર ફી માફી માટે માંગ કરવામાં આવી છે. જાે સરકાર ફી માફી નહીં કરે તો કોંગ્રેસ આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. કોંગ્રેસના પ્રવક્તા ડો. મનિષ દોશીએ જણાવ્યું હતું કે એમબીબીએસ/ એમડી/ એમએસ સહિતના મેડીકલ-પેરામેડીકલ અભ્યાસક્રમ અને ઈજનેરી, ફાર્મસી સહિતના વ્યવસાયીક અભ્યાસક્રમો– ઉચ્ચ અભ્યાસક્રમોમાં વિદ્યાર્થીઓને એક સત્ર ફી માફી અંગે ર્નિણય કરવા રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ કોંગ્રેસ પક્ષે માંગ કરી છે.

રાજ્યની ખાનગી મેડિકલ,ડેન્ટલ સહિતની કોલેજાેએ આ વર્ષની ફીમાં રૂ.૧૦ હજારથી ૮૩ હજાર સુધીનો વધારો ઝીંક્યો છે. વાલીઓને સરકારી, સોસાયટી અને ખાનગી કોલેજાેના સંચાલકોએ ફિઝિકલ શૈક્ષણિક કાર્ય શરૂ ના થયું હોવા છતાં ફી માટે ફી માટે કડક ઉઘરાણી કરવાનું શરૂ કરી દીધું છે અને દબાણ કરીને વાલીઓને ફી ભરવા માટે મજબૂર કરી રહ્યાં છે. વાલીઓ ફી નહી ભરે તો પરિક્ષા ફોર્મ અને રજીસ્ટ્રેશનની આગળની કાર્યવાહી કરવામાં નહીં આવે તેવું સંચાલકો સ્પષ્ટ દબાણ કરી રહ્યાં છે. રાજ્યમાં છ સરકારી, સોસાયટીની આઠ અને સેલ્ફ ફાઈનાન્સ ૧૫ કોલેજાેમાં ૫૫૦૦ બેઠકો છે. સરકારી કોલેજમાં ૨૫ હજાર વાર્ષિક ફી, સોસાયટીની કોલેજમાં ૩.૫૦ થી ૧૫ લાખ અને સેલ્ફ ફાયનાન્સમાં ૮ લાખ થી ૨૮ લાખ સુધીની ફી વસૂલવામાં આવી રહી છે.

રાજ્યના તબીબી શિક્ષણ એમબીબીએસ/ એમડી/એમએસ/બીડીએસ/બીએએમએસ/બીએચએમએસ અને પેરામેડીકલ શિક્ષણની એક સત્રની ફી માફ કરવા આપને અને રાજ્યપાલને કોંગ્રેસ પક્ષના પ્રતિનિધી મંડળ દ્વારા વિસ્તૃત તાર્કિક કારણો સાથે લેખીત – રૂબરૂ રજુઆત કરવામાં આવી હતી. ત્યારબાદ, બે વખત લેખિતમાં સમગ્ર રાજ્યની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ એક સત્ર ફી રાહત માટે પુનઃ રજુઆત કરવામાં આવી છે. નામદાર વડી અદાલતે પણ રાજ્ય સરકારને ફી માફી માટે ર્નિણય લેવા જણાયું છે, પણ આજદિન સુધી ફી માફીનો ર્નિણય કરવામાં આવેલ નથી. રાજ્યના મેડીકલ, ડેન્ટલ સહિતના ઉચ્ચ અભ્યાસક્રમના પાંચ લાખ વિદ્યાર્થીઓના શિક્ષણના અધિકાર અને એક સત્ર ફી માફી માટે કોંગ્રેસપક્ષ આગામી સમયમાં આંદોલનાત્મક – ધરણાનો કાર્યક્રમ આપશે.