નડિયાદ : ખેડા જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૧થી ૫ અને ૬થી ૮ અલગ કર્યા પછી ઉપલાં અધિકારીઓ દ્વારા ગોરખધંધા ચાલું કર્યા હોય તેવી ચર્ચાએ તેજ પકડ્યું છે. બાળકોની ઓછી સંખ્યાને કારણે વધ પડેલાં શિક્ષકોને અન્ય શાળામાં બદલી કરવા કેમ્પ યોજવામાં આવી રહ્યાં છે. જાેકે, ખેડા જિલ્લામાં પ્રાથમિક શિક્ષણ નિયામકની મીઠી મરજીથી માનીતા શિક્ષકોને અન્ય શાળામાં બદલી થઈને જવું ન પડે તેવી ગોઠવણ નિયમોને નેવે મૂકીને કરવામાં આવી રહી છે. સૂત્રોનું કહેવું છે કે, વધઘટ બદલી કેમ્પમાં નિયમ મુજબ કોઈપણ શાળાના ધોરણ ૬થી ૮નાં વર્ગોમાં ૨૦ બાળકોની સંખ્યા હોય તો જ વર્ગ ચાલું રાખવાનું અને સંખ્યા ઓછી હોય તો વર્ગ મર્જ કરવાનું જણાવાયું છે. જાેેકે, ખેડા જિલ્લાના કેમ્પમાં ધોરણ ૬ અને ૭માં મળીને પણ ૨૦ બાળકો ન હોય તો પણ ૮માં ધોરણને મંજૂર કરીને માનીતા શિક્ષકોને છાવરવામાં આવી રહ્યાં છે. આ રીતે ખેડા જિલ્લાની ૩૩ શાળાઓમાં શિક્ષકોને અન્યત્ર બદલાવું ન પડે તેની તકેદારી રાખીને નિયમોમાં ગંભીર બાંધછોડ કરીને કામગીરી કરવામાં આવી હોવાના આક્ષેપ ઊઠી રહ્યાં છે. સૂત્રોનું તો ત્યાં સુધી કહેવું છે કે, આ બાબતે ખેડા જિલ્લાના અધિકારીઓ શિક્ષણ નિયામકોના નામે ખેલ પાડી રહ્યાંની ચર્ચા છે. શિક્ષણ નિયામક દ્વારા નિયમાનુસારની કામગીરી કરાવવાને બદલે મૌખિક સૂચના આપીને માનીતા શિક્ષકોને અન્ય શાળામાં જતાં રોકી લેવાનો કારસો રચવામાં આવ્યો હોવાનો માહોલ રચી દેવામાં આવ્યો છે.