વડોદરા : ઉચ્ચ સનદી અધિકારીઓ સાથેના સંપર્કોને કારણે બીઆરજી ગ્રૂપના બકુલેશ ગુપ્તાએ કલેકટર શાલિની અગ્રવાલને પણ પડકાર ફેંકતા હોય એમ સુઝલોન પાસેથી લીધેલી જમીનનો હેતુફેર અરજી રદ કરી હોવા છતાં એ જગ્યા ઉપર સ્કૂલ અને પેટ્રોલ પંપનું બાંધકામ ચાલુ રાખ્યું છે. ત્યારે કલેકટર કચેરીએ હવે બિનખેડૂત ગુપ્તાએ લીધેલી ખેતીની જમીનો અંગે પણ તપાસ કરવી જાેઈએ એવી માગ ઊભી થઈ છે. 

બીઆરજી ગ્રૂપની પેટા કંપની અન્ય ઈન્ફ્રાસ્ટ્રકચર એસોસિયેટ્‌સ ગોવર્ધન એપાર્ટમેન્ટ ઉત્કર્ષ પેટ્રોલ પંપ નજીક કારેલીબાગ દ્વારા કલેકટર કચેરીને જમીન મહેસૂલ અધિનિયમન કલમ-૬૫(અ) હેઠળ બિનખેતી હેતુફેર માટેની અરજી કરી હતી. જેમાં વાઘોડિયા તાલુકાના પીપળિયા ગામના સર્વે બ્લોક નંબર-૮૬૦ માટે અરજી કરાઈ હતી. જેમાં સામાન્ય રીતે મામલતદાર કે નાયબ કલેકટર આવી અરજીઓનો નિકાલ કરતા હોય છે પરંતુ ખુદ કલેકટર શાલિની અગ્રવાલે કારણો દર્શાવી અરજી દફતરે કરી હતી. જેમાં જણાવાયું છે કે, કલેકટર વડોદરા દ્વારા તા.૨૦-૦૪-૨૦૦૯ના રોજ સવાલવાળી જમીનમાં ૬૫(ખ)ની મંજૂરી આપવામાં આવી હતી. ત્યાર બાદ કલેકટર વડોદરાના હુકમ ટેનન્સી ૧૦૪૩/૨૦૧૪થી હાલના કબજેદારને વેચાણ કરવા શરત ૧ થી પને આધિન પરવાનગી આપવામાં આવી હતી, જે શરતોનું પાલન થયેલ છે કે કેમ? તેની ચકાસણી કરવાની થાય છે. નાયબ કલેકટર ડભોઈ દ્વારા કરવામાં આવેલ હુકમ તથા ગુજરાત હાઈકોર્ટના હુકમમાં જણાવેલ તારણની વિગતો મેળવવાની થાય છે. આ જમીન અગાઉ ઔદ્યોગિક હેતુ માટે બિનખેતીની મંજૂરી આપવામાં આવેલ હતી. જ્યારે હાલના અરજદારે બહુહેતુક માટે ૬૫(અ)ની મંજૂરી મેળવવા માગણી કરી છે જે બાબતે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો અભિપ્રાય મેળવવાનો થાય છે. સવાલવાળી જમીનમાં વેચાણ રાખનાર કંપનીએ સરકાર સાથે કોઈ એમઓયુ કરી કોઈ આર્થિક લાભ મેળવેલ હોય તે ભરપાઈ કરેલ છે કે કેમ? એ બાબતે ચકાસણી કરવાની થતી હોવાથી અરજી દફતરે કરવાને પાત્ર છે એમ જણાવી કલેકટર શાલિની અગ્રવાલે હસ્તાક્ષર કરી તા.૨૩-૧૧-૨૦૨૦ના રોજ આ માગ રદ કરી હતી. તેમ છતાં આ જમીન કે જ્યાં અગાઉ સુઝલોન ઈન્ડસ્ટ્રીયલ પાર્ક હતું એની ઉપર ગુજરાત પબ્લીક સ્કૂલ ખડી કરી દેવાઈ છે અને હાલમાં પેટ્રોલ પંપનું બાંધકામ પૂર્વમંજૂરી વિના થઈ રહ્યું છે. ખરેખર તો શાળાની નજીક પેટ્રોલ પંપની મંજૂરી અપાતી નથી.

ગુપ્તાએ ખેડૂત નહીં હોવા છતાં ખેતીની જમીનો ખરીદી?

બીઆરજી ગ્રૂપના ગુપ્તા પરિવારે શહેર અને આસપાસ અઢળક ખેતીની જમીનો લીધેલી છે. ખરેખર તો એ મૂળભૂત ખેડૂત જ નથી. ત્યારે હવે કલેકટર કચેરીએ આવી જમીનોની તપાસ કરવી જાેઈએ એવી માગ એક જાગૃત નાગરિકે કરી છે. જાે કે, નવા કાયદાના નામે ચરી ખાતા બીઆરજી ગ્રૂપે આ બધી જમીનો કાયદો આવ્યો એ પહેલાં ખરીદ-વેચાણ કરી હોવાથી એ રદ થવી જાેઈએ એવી માગ જાગૃત નાગરિકે લેખિતમાં અરજીમાં કરી છે.