વડોદરા, તા. ૨૩

પ્લાસ્ટીક વેસ્ટની આડમાં થઈ રહેલા વિદેશી દારૂના હેરફેરના કૈાભાંડનો ગત રાત્રે કરજણ પોલીસે પર્દાફાશ કર્યો હતો. ગોવાથી વિદેશી દારૂનો જથ્થો ભરીને અંકલેશ્વરમાં ખાલી કરવા માટે જઈ રહેલા બંધ બોડીના કન્ટેનરને કરજણ પોલીસે પીછો કરીને દેથાણ પાસે ઝડપી પાડી કન્ટેનરમાંથી વિદેશી દારૂ-બિયરની ૩૪૨ પેટી ઝડપી પાડી હતી. પોલીસે કન્ટેનરના ડ્રાઈવર-ક્લિનરની અટકાયત કરી હતી અને તેઓની પાસેથી ૨૬.૫૭ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તેમજ તેઓની પાસેથી દારૂનો જથ્થો મંગાવનાર મુકેશ નામના બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યો છે.

કરજણ પોલીસ મથકના પીઆઈ એમ.એ.પટેલને ગત રાત્રે માહિતી મળી હતી કે વડોદરા તરફથી આરજે-૨૨-જીબી-૩૫૯૯ નંબરના એક બંધ બોડીના કેન્ટેનરમાં ગેરકાયદે વિદેશી દારૂનો જથ્થો ભરીને ભરુચ તરફ જવાનો છે. આ માહિતીના પગલે પોકો સંજયસિંહ સહિતના સ્ટાફે તુરંત ટોલનાકા ખાતે તપાસ કરી હતી જેમાં ઉક્ત નંબરવાળું કન્ટેનર ટોલનાકુ પાસ કરીને ભરુચ તરફ ગયુ હોવાની જાણ થતાં જ પોલીસે તુરંત હાઈવે પર કેન્ટેનરને શોધવા માટે પીછો કર્યો હતો અને ઉક્ત નંબરવાળું કન્ટેનર દેથાણ ગામની સીમમાં એકતા હોટલ પાસે ઝડપી પાડ્યું હતું.

પોલીસે કન્ટેનરમાં સાઈડમાં લેવડાવી તપાસ કરી હતી જેમાં કેન્ટનરમાં વિદેશી દારૂ અને બિયરની પેટીઓ છુપાવેલી મળી હતી. પોલીસે કન્ટેનરને કરજણ પોલીસ મથકના કમ્પાઉન્ડમાં લાવી તપાસ કરી હતી જેમાં કન્ટેનરમાંથી વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂ અને બિયરની ૩૪૨ પેટીઓમાં કુલ ૧૨,૮૧૬ બોટલો મળી હતી.

પોલીસે ૧૫,૫૫,૨૦૦ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો તેમજ મોબાઈલ ફોન,કન્ટેનર અને અન્ય ચીજાે સહિત કુલ ૨૬,૫૭,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કરી હતી કન્ટેનરચાલક જીતેન્દ્રસિંહ સેસુસિંહ રાવત (લાખાગુડા ગામ, જી.રાજસમંદ, રાજસ્થાન) અને ક્લિનર દોલત મોહનસિંહ રાજપુત (રાવલીગુનાગામ, જી.રાજસંમદ,રાજસ્થાન)ની અટકાયત કરી હતી. પ્રાથમિક તપાસમાં એવી વિગતો મળી હતી કે રાજસ્થાનના ભીમ તાલુકામાં રહેતા મુકેશના કહેવાથી આ બંને જણા કેન્ટેનર લઈ વાપીથી ગોવા ગયા હતા અને મુકેશની સુચનામુજબ એક અજાણ્યા માણસને કન્ટેનર આપતા તે તેમાં વિદેશી દારૂ-બિયરનો જથ્થો ભરાવી લાવ્યો હતો અને કન્ટેનર સોંપ્યા બાદ તે અંકલેશ્વર જવા નીકળ્યા હતા. મુકેશે અંકલેશ્વર પાસે ઓસ્કાર હોટલ પાસે પહોંચ્યા કન્ટેનર લઈને ઉભા રહેવાનું કહ્યું હતું અને આગળ શું કરવુ તેની પછી સુચના આપીશ તેમ જણાવ્યું હતું. આ વિગતોના પગલે પોલીસે મુકેશને વોન્ટેડ જાહેર કર્યો હતો.

બોગસ નંબરપ્લેટ લગાડી પ્લાસ્ટીક વેસ્ટમાં દારૂ છુપાવેલો

પ્લાસ્ટીક વેસ્ટની આડમાં વિદેશી દારૂની હેરફેર કરવા માટે ટોળકીએ સુઆયોજિત કાવત્રુ ઘડ્યુ હોવાની વિગતો પોલીસ તપાસમાં બહાર આવી હતી. કન્ટેનરમાંથી જે આરસી બુક મળી હતી તેની કન્ટેનરના ચેસીસનંબરની ચકાસણી કરતા કેન્ટનર ચાલકે બોગસ નંબરપ્લેટ લગાવી હોવાની વિગતો સપાટી પર આવી હતી. પોલીસને ગેરમાર્ગે દોરવા માટે કન્ટેનરની આગળના ભાગે રૂા.૧ લાખથી વધુની કિંમતનો ૩૨૦૦ કિલો પ્લાસ્ટીક વેસ્ટ પાથરી તેની પાછળ દારૂની પેટીઓ છુપાવી હતી.