અમદાવાદ-

ખાદ્યતેલોમાં રેકોર્ડબ્રેક તેજીના વળતા પાણી શરૂ થઈ જ ગયા છે અને ભાવો સતત પાછા પડી રહ્યા છે. આજે પણ તમામ તેલમાં પીછેહઠ હતી. રાજકોટ ખાતે દસ કિલો સીંગતેલ લુઝનો ભાવ ઘટીને 1370 થી 1380 થયો હતો. કપાસીયા તેલ વોશ 965 થી 970 થયુ હતું. ટેકસપેઈડ સીંગતેલ ડબ્બો રૂા.15 ના ઘટાડાથી 2315 હતો.કપાસીયા તેલ, ડબ્બાનો ભાવ 1700 ના સ્તરે આવી ગયો હતો. પામોલીન ઘટીને ડબ્બાનાં 1565 થી 1570 થયા હતા. 

વેપારીઓએ કહ્યું કે ગત મહિને ખાદ્યતેલોમાં રેકોર્ડબ્રેક તેજી પાછળનું કારણ વિશ્ર્વ બજારોમાં બેફામ ભાવ વધારો તથા વાયદા બજારમાં જોરદાર તેજીનુ હતું. હવે ભાવોમાં પીછેહઠનું કારણ પણ આજ બે બાકી વાસ્તવિક ચિત્રમાં કોઈ બદલાવ નથી. મગફળી સહીતના તેલીબીયાનાં ઉત્પાદન વગેરેનાં આંકડાઓમાં કોઈ બદલાવ નથી. તેજી-મંદી સટ્ટાકીય જ હોવાનું સ્પષ્ટ છે. 

સુત્રોના કહેવા મુજબ ખાદ્યતેલોની રેકોર્ડબ્રેક તેજીને પગલે ફરસાણમાં ભાવ વધારો ઝીંકવામાં આવ્યો હતો.હવે વેપારીઓ તેમાં ભાવ ઘટાડે છે કે કેમ તેના પર ગ્રાહકોની મીટ છે. ફરસાણનાં વેપારીઓ મોટાભાગે કપાસીયા તેલ તથા પામોલીનનો જ ઉપયોગ કરતા હોય છે. બન્ને તેલનાં ભાવમાં નોંધપાત્ર ઝડપી ઘટાડો નોંધાયો છે. હજુ વધુ ઘટાડાને અવકાશ છે. આ સંજોગોમાં હવે ફરસાણનાં ભાવ ઘટવા જોઈએ તેવી લોકલાગણી છે.