ગાંધીનગર-

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અયોધ્યામાં PM મોદીના હસ્તે રામ જન્મભૂમિ સ્થાને રામમંદિરના ભૂમિપૂજનથી રામમંદિરના ભવ્ય નિર્માણથી રાષ્ટ્રનિર્માણની નેમ સાકાર થશે તેવો વિશ્વાસ દર્શાવ્યો છે. મુખ્યમંત્રીએ દેશની એકતા અખંડિતતા, સ્વાભિમાન, સંસ્કૃતિ પરંપરા અને માનબિંદૂઓની રક્ષા માટે આ રામમંદિર નિર્માણ આવનારા દિવસોમાં એક મહત્વપૂર્ણ પરિબળ બનશે એમ પણ ઉમેર્યુ છે.

વિજય રૂપાણીએ અયોધ્યામાં પ્રધાનમંત્રીના હસ્તે રામમંદિર ભૂમિપૂજનના અવસરને ર૧મી સદીના ઇતિહાસની સુવર્ણ અક્ષરે લખાનારી ઘટના ગણાવતાં ભારત માતા જગત જનની બને વિશ્વગુરૂ બને તે દિશામાં આપણે આગળ વધવાનું છે એમ પણ આ પ્રસંગની ખૂશી વ્યકત કરતાં જણાવ્યું છે. 

મુખ્યમંત્રીએ મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી સી.એમ. ડેશબોર્ડના માધ્યમથી અયોધ્યા ખાતે પ્રધાનમંત્રીના હસ્તે થયેલું રામમંદિર ભૂમિપૂજનનું જીવંત પ્રસારણ શ્રદ્ધાપૂર્વક નિહાળ્યું હતું. વિજય રૂપાણીએ જણાવ્યું કે, પાંચ સૈકા પછી રામભક્તો માટે રામલલ્લાને એમના જન્મ સ્થાનમાં ભવ્યતા પૂર્વક પૂન: પ્રસ્થાપિત કરવાનો આ સ્વર્ણિમ અવસર છે. પાંચ શતાબ્દી-પાંચસો વર્ષની તપસ્યા અને શ્રદ્ધા આજે રામલલ્લાના ભવ્ય મંદિરના ભૂમિપૂજનથી સાકાર થવા જઇ રહી છે. કરોડો હિન્દુઓના હૃદયમાં બિરાજતા ભગવાન શ્રી રામના જન્મ સ્થળે અનેક વિવાદો બાદ સુપ્રિમ કોર્ટે ચૂકાદો આપીને રસ્તો સરળ કરી દેતા રામ મંદિર નિર્માણ થવાનું છે એમ તેમણે ઉમેર્યું હતું. 

વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું કે, 'સોગંદ રામ કી ખાતે હૈ, મંદિર વહીં બનાયેંગે'નો નારો આજે ચરિતાર્થ થાય છે. દેશભરમાં આજે દિવાળીના પ્રસંગ જેવો માહોલ છે. ૧૪ વર્ષના વનવાસ બાદ ભગવાન રામ અયોધ્યા પરત પઘાર્યા ત્યારે અવઘપૂરીમાં જે આનંદ ઓચ્છવ હતો તેવો જ ઉમંગ આજે સર્યું નદીના તીરે છલકે છે. આ સાથે સાથે સમગ્ર દેશમાં જન-જનમાં હૃદયમાં પણ છલકાઇ રહ્યું છે. 

તેમણે વધુમાં જણાવ્યું કે, ગુજરાતી તરીકે આપણે સૌ ગૌરવ લઇ શકીએ કે રામમંદિરના નિર્માણમાં ગુજરાત અનેક કારસેવકો અને ગુજરાતીઓનું યોગદાન પહેલેથી જ અહેમ ભૂમિકામાં રહ્યું છે.