વડોદરા, તા.૨

શહેર ભાજપા પ્રમુખના હોદ્દાની રૂએ સંગઠનની જવાબદારી નિભાવવાને બદલે અંગત મહત્ત્વાકાંક્ષાઓ પૂર્ણ કરવાની કવાયતમાં અને વ્યક્તિગત હિસાબ-કિતાબ કરવામાં વ્યસ્ત રહેવાના કારણે વડોદરા શહેર ભાજપાને તાજેતરમાં વધુ એકવાર જાહેર ફજેતી સહન કરવી પડી હોવાનો કિસ્સો હાલ ભાજપામાં ચર્ચાઈ રહ્યો છે.

અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમદાવાદ મુલાકાત ટાણે વડોદરાથી લકઝરી બસોમાં કાર્યકરોને મોકલવાની યોજનાનો ફિયાસ્કો થતાં વડોદરા શહેર ભાજપાના ધજાગરા ઊડયા જ હતા, પરંતુ તાજેતરમાં ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાને વડોદરા એરપોર્ટ પર આવકારવાના આયોજનમાં પણ શહેર ભાજપા પ્રમુખ ડો. વિજય શાહ વધુ એકવાર બેજવાબદારીપૂર્વક વર્તવાને કારણે વડોદરા શહેર ભાજપાની ફજેતી થઈ હતી.

પક્ષના ટોચના નેતાઓ અને પક્ષના હોદ્દેદારોમાં ચાલતી ચર્ચા મુજબ તાજેતરમાં ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાને વડોદરા ખાતે આવકારવાનો પરંપરાગત કાર્યક્રમ હતો. પરંતુ એરપોર્ટની સિકયુરિટી સંભાળતા સીઆઈએસએફના જવાનોએ અને એરપોર્ટ ઓથોરિટીએ છેક છેલ્લી મિનિટે તેમને એરપોર્ટની અંદર સ્વાગત કરવા જનાર અગ્રણીઓની યાદી અગાઉથી સુપરત નહીં કરાઈ હોવાથી કાર્યક્રમના સમય પહેલાં પહોંચેલા કેટલાક અગ્રણીઓને અંદર જતાં અટકાવ્યા હતા.

સીઆઈએસએફના જવાનો પોતાની ફરજ પ્રામાણિકપણે બજાવવા માટે જાણીતા છે. આ સંજાેગોમાં એ સ્થળે પહોંચેલા વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ, મેયર કેયુર રોકડિયાને પ્રોટોકોલ મુજબ સન્માનપૂર્વક અંદર જવા દેવાયા અને તેમની વિનંતીને માન આપી વડોદરાના ભૂ.પૂ. મેયર ભરત ડાંગર તથા વૈષ્વણ સંગઠન વીવાયઓના અગ્રણીઓને અંદર જવા દીધા હતા. પરંતુ ચોંકાવનારી બાબત તો એ બની કે ભાજપાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષનો હોદ્દો ધરાવતા જ્યોતિબેન પંડયા, ભાજપાના પ્રદેશ મહામંત્રી ભાર્ગવભાઈ ભટ્ટ, ધારાસભ્યો સીમાબેન મોહિલે, જિતેન્દ્ર સુખડિયા, સુનીલ સોલંકી, જશવંત સોલંકી સહિત અનેકને એરપોર્ટમાં પ્રવેશતાં અટકાવાયા હતા.

આ તબક્કે પ્રોટોકોલ મુજબ એરપોર્ટ ઓથોરિટી અને સીઆઈએસએફને અગાઉથી મહાનુભાવોની યાદી નહીં અપાઈ હોવાની સૌથી ભયંકર ચૂક સપાટી પર આવી હતી. આ તબક્કે શહેર ભાજપા મહામંત્રી સુનીલ સોલંકીએ ધારાસભ્ય સુખડિયાને કહ્યું કે, આ યાદી આપવાની જવાબદારી મેયર અને સાંસદની છે. આથી પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટે ત્યાં આવી પહોંચેલા શહેર ભાજપા પ્રમુખ ડો. વિજય શાહને પૂછયું કે તમે આ યાદી આપી હતી? ત્યારે ડો. વિજય શાહે પણ એ જવાબ દોહરાવ્યો હતો કે એ યાદી આપવાની જવાબદારી મેયર અને સાંસદની હોય છે. વર્ષોની પરંપરા છે કે આવા કોઈ મહાનુભાવોને એરપોર્ટ પર પોંખવાના કાર્યક્રમમાં કોણે કોણે અંદર જવું તેની યાદી શહેર સંગઠન દ્વારા જ અપાય છે, પરંતુ આ વખતે ઈરાદાપૂર્વક-બદઈરાદાપૂર્વક કે અજાણતાં થયેલી શરતચૂકને કારણે વડોદરા શહેર ભાજપાનો વધુ એકવાર જાહેરમાં ફજેતો થતાં વડોદરા શહેર ભાજપા પ્રમુખ ડો. વિજય શાહ પર પસ્તાળ પડી રહી છે.

ભાર્ગવ ભટ્ટે ત્રણ મહામંત્રીનો ઉધડો લીધો

એરપોર્ટ પર પહોંચેલા ભાજપાના પ્રદેશ મહામંત્રી ભાર્ગવભાઈ ભટ્ટે યાદી અંગે સર્જાયેલી સમસ્યા વિશે જાણ તે જ વખતે ત્યાં ઉપસ્થિત શહેર ભાજપાના સુનીલ સોલંકી સહિતના ત્રણ મહામંત્રીઓનો જાહેરમાં ઉધડો લીધો હતો. આ તબક્કે સુનીલ સોલંકીએ પણ એવો બચાવ કર્યો હતો કે યાદી આપવાની જવાબદારી મેયર અને સાંસદની છે.

જીતેન્દ્ર સુખડિયા મેયર રોકડિયા પર અકળાયા

એરપોર્ટમાં પ્રવેશ મળતાં જ ધુંઆપુઆ થયેલા ધારાસભ્ય જિતેન્દ્ર સુખડિયાએ મેયર પર ગુસ્સો ઠાલવ્યો હતો તથા યાદી માટેની બેજવાબદારી માટે તેમનો ઉધડો લેતાં જ મેયર કેયુર રોકડિયાએ રોકડું પરખાવ્યું હતું કે, આ યાદી આપવાની જવાબદારી સંગઠનની છે. આ તબક્કે સાંસદ રંજનબેને પણ મેયરની દલીલમાં સૂર પુરાવ્યા હતા. એટલે ત્યાં ઉપસ્થિત અને અગાઉ યાદી માટે મેયર-સાંસદની શહેર ભાજપા પ્રમુખ ડો. વિજય શાહે તરત જ કલર બતાવ્યો હતો અને પોતે અગાઉ કરેલી વાત ફેરવી તોળી યાદી આપવાની જવાબદારી પ્રદેશ સંગઠનની છે એમ જણાવ્યું હતું.

સ્વાગતની યાદી સોંપી વચલો માર્ગ કઢાયો

આ વિવાદનો અંત આણવા રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવા માટે તૈયાર હતી એ યાદી સાંસદ રંજનબેન ભટ્ટે એરપોર્ટ ઓથોરિટીને આપી આટલા લોકોને અંદર જવા દેવા વિનંતી કરતાં આખરે ઓથોરિટીએ સાંસદનું માન રાખી યાદીમાં દર્શાવેલાઓને અંદર જવા દીધા હતા.

ફૂલો ઉડાડવાનું મશીન પરવાનગી વગર ગોઠવાયું

પોતાને સાર્વજનિક જગ્યાઓના પણ માલિક માનવા માંડેલી ભાજપાએ એરપોર્ટ ખાતે કોઈપણ જાતની પરવાનગી વગર મહાનુભાવ પર ફૂલો વરસાવતું ઓટોમેટિક મશીન ગોઠવી દીધું હતું. આ અંગે પણ એરપોર્ટ ઓથોરિટીએ પ્રારંભમાં વાંધો લીધો હતો તથા સિકયુરિટી જેવી ગંભીર બાબતને હળવેથી નહીં લેવાનો સૂર વ્યક્ત કર્યો હતો.