વડોદરા : વડોદરામાં બેકાબૂ બનેલા કોરોના સંક્રમણને લઈને ઓક્સિજનની વધી રહેલી માગ સામે મર્યાદિત પુરવઠાને લઈને શહેર-જિલ્લાની ૧૬૪ ખાનગી હોસ્પિટલોને ઓક્સિજનો પુરવઠો નહીં આપવાના નિર્ણયને લઈને વિવાદ સર્જાયો હતો. સાવલીના ધારાસભ્યના આ મુદ્દે આક્રમણ વલણ બાદ જિલ્લાના ધારાસભ્યોએ પણ વિરોધ કરતાં આજે રાજ્ય મંત્રી યોગેશ પટેલના અધ્યક્ષસ્થાને સાંસદ, ધારાસભ્યો અને ઉચ્ચ અધિકારીઓની મળેલી બેઠકમાં આ નિર્ણયને હાલ પૂરતો હોલ્ડ પર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જાે કે ઓએસડી ડો. રાવે મોડી સાંજે એવો સંદેશો વહેતો કર્યો હતો કે આ હુકમ માત્ર કામચલાઉ સ્થગિત કરવામાં આવ્યો છે. મંત્રી સહિતના તમામ નેતાઓને આ સંદેશા દ્વારા ડો. રાવે તમાચો માર્યાની લાગણી ફેલાઈ છે.

કોરોનાના વધી રહેલા સંક્રમણ વચ્ચે ઓક્સિજનની માગ વધતાં કટોકટી સર્જાય તેવી સ્થિતિ વચ્ચે વડોદરામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજનનો ઉપયોગ ૧૦ થી ૧૫ ટકા ઘટાડવા ઉપરાંત શહેર-જિલ્લાની ૧૬૪ ખાનગી હોસ્પિટલોને ઓક્સિજનનો સપ્લાય નહીં આપવાના નિર્ણય સાથે ઓએસડી ડો. વિનોદ રાવે ગઈકાલે પરિપત્ર કર્યો હતો. હાલ આ ખાનગી ૧૬૪ નાની હોસ્પિટલોમાં ૧૬૦૦ જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જેમાં ઓક્સિજનની જરૂરિયાતવાળા મોટાભાગના દર્દીઓને શિફટ કરવા પડે તેમજ નાની હોસ્પિટલોને ઓક્સિજનની જરૂરિયાત ધરાવતા દર્દીઓની સારવાર બંધ કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી.

જાે કે, આ વિવાદીત પરિપત્રને લઈને સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે આક્રમક વલણ સામે વિરોધ કર્યો હતો અને મુખ્યમંત્રીને પત્ર લખી જણાવ્યું હતું કે, હોસ્પિટલોમાં બેડ પણ ઓછા કરવાની ચર્ચાઓ ચાલી રહી છે. તો સરકાર તથા સેવાભાવી સંસ્થાઓ દ્વારા સાવલી અને ડેસર ખાતે ઓક્સિજન બેડ તૈયાર કરેલા છે તથા બીજી તૈયારીઓ ચાલી રહી છે એનું શું? અને પહેલાંથી જ ઓક્સિજન ગ્રામ્ય વિસ્તારોમાં ઓછો આપવામાં આવતો હતો. જાે જથ્થો બંધ થશે તો દર્દીઓનું શું? આ બાબતે મારો સખત વિરોધ નોંધાવું છું. આપ ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી છો, આ બાબતે ગંભીરતાપૂર્વક વિચારી નિર્ણય લો. વડોદરા શહેર-જિલ્લો મધ્યમાં આવેલું છે જેને કારણે આસપાસના જિલ્લાના દર્દીઓને પણ અહીં લાવવામાં આવે છે જેથી ભવિષ્યમાં આ નિર્ણયથી પરિસ્થિતિ ગંભીરથી અતિગંભીર થવા જઈ છે.

એક પ્રજા પ્રતિનિધિ તરીકે મારી આપને વિનંતી અને અરજ છે કે વહેલીતકે હોસ્પિટલોને કેટેગરીમાં વહેંચીને ઓક્સિજન બંધ કર્યો છે એ નિર્ણયને પરત લઈને ઓક્સિજન પૂરો પાડવા અને જિલ્લાને રેમડેસિવિર ઈન્જેકશનનો જથ્થો પૂરો પાડવા મારી અરજ છે.ધારાસભ્ય કેતન ઈનામદારના આકરા સ્ટેન્ડ બાદ તંત્ર દોડતું થયું હતું. અને સાંજે મંત્રી યોગેશ પટેલના અધ્યક્ષસ્થાને મેયર, સાંસદ, શહેર-જિલ્લાના ધારાસભયો, ઓએસડી, કલેકટર સહિત ઉચ્ચ અધિકારીઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની મિટિંગ યોજાઈ હતી. જેમાં જિલ્લાના ધારાસભ્યોએ આ સંદર્ભે વિરોધ કરી આક્રમક સ્ટેન્ડ લીધું હતું. જાે કે, શહેર-જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિઓના આક્રમક સ્ટેન્ડ બાદ શહેર-જિલ્લાની ૧૬૪ નાની હોસ્પિટલોને ઓક્સિજન નહીં આપવા અંગેનો નિર્ણય હાલ પૂરતો મુલત્વી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સંદર્ભે ઓએસડી ડો. રાવે જણાવ્યું હતું કે, આ બેઠકમાં ઉપસ્થિત ગ્રૂપ મિનિ હોસ્પિટલોના પ્રતિનિધિઓએ ઓક્સિજનના ઉપયોગને ઓપ્ટીમાઈઝ કરશે અને હાલના તેમના ઓક્સિજન રિફિલિંગ પાસેથી વિતરણની ખાતરીપૂર્વકની જવાબદારી લીધી હતી. જ્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓએ વડોદરાની તમામ હોસ્પિટલોને ઓક્સિજન ઉપલબ્ધ કરાવવા માટે સરકાર પાસે જરૂરી સ્ટોક મેળવવા માટે પ્રયાસો થઈ રહ્યા છે જેનો નિર્ણય ટૂંક સમયમાં આવશે. જેથી શહેર-જિલ્લાની જે ૧૬૪ હોસ્પિટલોને ઓક્સિજન પુરવઠો નહીં આપવાનો નિર્ણય હાલ પૂરતો મુલત્વી રાખવામાં આવ્યો છે. આમ ધારાસભ્યોના આક્રમક વલણ બાદ આખરે આ નિર્ણય મુલત્વી રાખવામાં આવ્યો હતો.