વડોદરા, તા.૧૮ 

વડોદરા શહેરના સુરસાગર તળાવ પાસે આવેલી મહારાણી કન્યા વિદ્યાલયના સંચાલકો દ્વારા કોવિડ-૧૯ની સરકારની ગાઇડલાઇનને નેવે મુકીને વિદ્યાર્થીઓને પુસ્તકો લેવા માટે બોલાવવામાં આવ્યા હતા. સ્કૂલ દ્વારા વિદ્યાર્થિનીઓને પુસ્તકો લેવા માટે બોલાવવામાં આવતા વિદ્યાર્થિનીઓ સ્કૂલ ડ્રેસમાં આવી પહોંચી હતી. સ્કૂલ દ્વારા કોરોના મહામારીના વધી રહેલા વ્યાપ વચ્ચે વિદ્યાર્થિનીઓને પુસ્તકો લેવા બોલાવતા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા સ્કૂલ સામે કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. સ્કૂલનાસૂત્રોના જણાવ્યા પ્રમાણે, ધો-૧૧ અને ધો-૧૨ની બાકી પડેલી અંગ્રેજીના પુસ્તક વિતરણ માટે વિદ્યાર્થિનીઓને તબક્કાવાર બોલાવવામાં આવી હતી. તેઓના શિક્ષણ ઉપર અસર ન પડે તે માટે જ વિદ્યાર્થિનીઓને ૧૦-૧૦ના ગૃપમાં બોલાવવામાં આવી હતી. સ્કૂલ દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગ સહિત કોવિડ-૧૯ના નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ સ્કૂલ ડ્રેસ પહેરીને આવવા બાબતે તેઓએ ઉમેર્યું કે, વિદ્યાર્થીનીઓને સ્કૂલનો ડ્રેસ પહેરીને આવવાની કોઇ ફરજ પાડવામાં આવી નથી. તેઓ તેઓની જાતે જ સ્કૂલ ડ્રેસ પહેરીને આવી હતી. જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સ્કૂલ સંચાલકો દ્વારા પુસ્તક લેવાના બહાને વિદ્યાર્થિનીઓને બોલાવી શકાય નહીં. સ્કૂલ સંચાલકોનો ખુલાસો પૂછવામાં આવ્યો છે. અને સ્કૂલ સામે કોવિડ-૧૯ના નિયમોનુસાર જે કાર્યવાહી કરવાની હશે તે કરવામાં આવશે.