ગાંધીનગર-

મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસ સ્થાને સરકારની વિવિધ પ્રજાકલ્યાણલક્ષી યોજનાઓનો લાભ છેવાડાના વ્યક્તિને મળી રહે તે માટે તથા તેમના ફિડબેક પ્રાપ્ત કરવા માટે મુખ્યમંત્રી ડેશબોર્ડ જનસંવાદ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી હતી. ફિડબેક મિકેનિઝમ આ ખુબ જ ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત થયું છે. આ જનસંવાદ કેન્દ્રના માધ્યમથી છેલ્લા ૧૧ મહિનામાં બે લાખથી પણ વધારે એટલે કે પ્રતિમાસ ૧૮ હજારથી વધારે શહેરી અને ગામજનોએ સીધો જ મુખ્યમંત્રી સાથે સંવાદ કર્યો છે. આ એક અનોખી સિદ્ધિ છે.

ગુજરાતમાં કોરોના કાળ દરમિયાન વિવિધ સરકારી હોસ્પિટલોમાં કોરોના સંક્રમિત દર્દીઓને અપાયેલી સારવાર અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જનસંવાદ કેન્દ્રમાંથી સીધો જ સંવાદ કરીને તેમના ખબર અંતર પુછીને તેમણે મેળવેલી સરકારી સેવાઓની હકીકત લક્ષી માહિતી મેળવી હતી. છેલ્લા ૧૧ મહિના દરમિયાન જનસંવાદ કેન્દ્રના માધ્યમથી ગુજરાત સરકારની ૧૦૦ કરતા વધારે વિવિધ પ્રજાલક્ષી યોજનાઓ અને સેવાના લાક્ષાર્થીઓ પાસેથી ફિડબેક લેવામાં આવ્યા હતા. જેમાં મુખ્યત્વે મુખ્યમંત્રી આર્ત્મનિભર પેકેજ, માં અમૃતમ યોજના, વિવિધ સહાય, કૃષિ રાહત પેકેજ, આઇ ખેડૂત પોર્ટલ હેઠલ ખેડૂત લક્ષી યોજનાઓ, જાહેર અન્ન વિતરણ વ્યવસ્થા, મુખ્યમંત્રી યુવા સ્વાલંબન યોજના અને સમાજ કલ્યાણની વિવિધ યોજનાઓનો સમાવેશ થાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, જનસંવાદ કેન્દ્રમાં શરૂઆતનાં તબક્કે ૧૫ જનમિત્રો દ્વારા સરેરાશ ૫૦૦ લાભાર્થીઓ સાથે સંવાદ કરવામાં આવ્યો હતો. જે હવે વધીને ૧૫૦૦ થયો છે. જનસંવાદ કેન્દ્રમાંથી કરવામાં આવેલા સંવાદથી લાભાર્થીઓ સંતુષ્ટીનો દર ૮૦ ટકા જેટલો રહ્યો છે. સી.એમ ડેશબોર્ડ એક એવું પ્રકલ્પ છે, જેમાં કોઇ પણ વ્યક્તિની ફરિયાદનો તત્કાલ ઉકેલ આપવામાં આવે છે.