વડોદરા : કોરોનાના સંક્રમણનો બીજાે તબક્કો શરૂ થઈ ચૂકયો છે. કોરોના વાઈરસના સંક્રમણને નિયંત્રણ કરવા માટે સરકાર દ્વારા તમામ પ્રયાસો થઈ રહ્યા છે. તમામ રાજ્યો અને તંત્ર દ્વારા કોરોના વાઈરસના સંક્રમણને રોકવા માટે તમામ સાવચેતીના પગલાં લેવાઈ રહ્યાં છે તેમ છતાં શહેર-જિલ્લામાં મક્કમ ગતિએ વધી રહેલા કોરોનાના કેસો અંતર્ગત આજે ૧૦૮ વધુ નવા કોરોના પોઝિટિવ કેસો નોંધાયા હતા. જેથી કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને ૧૮,૫૭૮ પર પહોંચી ગઈ છે. આ સાથે કોરોનાની સારવાર લઈ રહેલા ઈન્દોર ખાતે ખાનગી કંપનીમાં નોકરી કરતા ૩૨ વર્ષીય મહિલા સહિત આજે ૧૨ વ્યક્તિઓના બિનસત્તાવાર આજે મૃત્યુ થયા હતા. જ્યારે ડેથ ઓડિટ કમિટીએ વધુ એક દર્દીનું કોરોનામાં મોત જાહેર કરતાં સત્તાવાર મૃત્યુઆંક મંદગતિએ વધીને ૨૨૬ પર પહોંચ્યો હતો. આજે ૧૨૧ જેટલા દર્દીઓને હોસ્પિટલોમાંથી રજા આપવામાં આવી હતી, જેમાં ૪ દર્દીઓ સરકારી, ૨૮ દર્દીઓ ખાનગી હોસ્પિટલમાંથી, ૮૯ દર્દીઓને હોમ આઈસોલેશનમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે કુલ ડિસ્ચાર્જ સંખ્યા ૧૭,૧૩૫ થઈ હતી.  

સેવાસદનની આરોગ્ય વિભાગની ટીમો દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં જેવા કે માંડવી, કારેલીબાગ, નવા યાર્ડ, કલાલી, દંતેશ્વર, શિયાબાગ, ઓ.પી.રોડ, સવાદ કવાર્ટર્સ, આજવા રોડ, માણેજા, અકોટા, દિવાળીપુરા, છાણી, પાણીગેટ, ફતેપુરા, મુજમહુડા, ફતેગંજ, તાંદલજા, સમા, ગોરવા, મકરપુરા સહિતના વિસ્તારો તેમજ ગ્રામ્યના કોયલી, શિનોર, પોર, ડભોઈ, કરજણ, વાઘોડિયા, પાદરા સહિતના વિસ્તારોમાં કુલ ૩૯૪૪ જેટલા કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતી વ્યક્તિઓના સેમ્પલો લેવામાં આવ્યા હતા, જેમાં ૩૮૩૬ નેગેટિવ અને ૧૧૨ પોઝિટિવ રિપોર્ટ આવ્યા હતા. બીજી તરફ હાલના તબક્કે વડોદરા શહેરની અલગ અલગ ખાનગી અને સરકારી હોસ્પિટલમાં ૧૨૧૭ દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે. જેમાં ૫૭ દર્દીઓ વેન્ટિલેટર પર, ૧૫૫ દર્દીઓ ઓક્સિજન પર અને ૧૦૦૫ સ્ટેબલ હોવાનું તબીબીસૂત્રોએ જણાવ્યું હતું. આજે આવેલા ૧૦૮ કોરોનાના પોઝિટિવ કેસોમાં ગ્રામ્યમાંથી ૪૨ અને શહેરના ચાર ઝોન પૈકી દક્ષિણ ઝોનમાં ૧૮, ઉત્તર ઝોનમાં ૧૬, પશ્ચિમ ઝોનમાં ૧૭ અને પૂર્વ ઝોનમાં ૧૬ કેસોનો સમાવેશ થાય છે.