જામનગર-

જામનગર જિલ્લામાં કોરોનાએ કાળો કેર મચાવ્યો છે. જિલ્લાની કોવિડ હોસ્પિટલમાં એક તરફ નવા દર્દીઓને જગ્યા નથી મળી રહી તો બીજી તરફ સારવાર લઈ રહેલા દર્દીઓના ટપોટપ મોત થઈ રહ્યા છે. જામનગર જિલ્લામાં આજે કોવિડની સારવાર દરમિયાન 100થી વધુ દર્દીઓના મોત થયા છે. તો આજે નવા કેસ પણ રેકોર્ડબ્રેક નોંધાયા છે. જિલ્લામાં આજે નવા કેસનો આંક 500ને વટાવી ચૂક્યો છે.જામનગર જિલ્લામાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. આજે 509 કેસ નોંધાયા છે. જે અત્યાર સુધીના એક જ દિવસમાં નોંધાયેલા કેસનો સૌથી મોટો આંકડો છે. જામનગર જિલ્લામાં આજે 509 કેસ નોંધાયા છે તેમાં 307 કેસ શહેરી વિસ્તારમાં અને 202 કેસ ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયા છે. તો 261 દર્દીઓ કોરોનાને માત આપવામા સફળ રહેતા આજે ડીસ્ચાર્જ કરવામા આવ્યા હતા. તો આજે કોવિડ હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન 100 થી વધુ દર્દીઓના મોત નિપજ્યા હતા. જામનગર શહેરમાં અત્યાર સુધીમાં 2 લાખ 98 હજાર 046 લોકોના અને ગ્રામ્ય વિસ્તારમાં 2 લાખ 33 હજાર 891 લોકોના સેમ્પલ લેવામા આવ્યા છે.

જામનગરમાં કોરોનાનું સંક્રમણ વધવાની સાથે જી.જી.હોસ્પિટલ પણ હાઉસ ફૂલ થઇ રહી છે. જી.જી.હોસ્પિટલમાં ક્ષમતા કરતાં વધુ સંખ્યામાં દર્દીઓ આવી ચૂકયા છે. કોવિડ હોસ્પિટલની બહાર એમ્બ્યુલ ન્સોને લાંબી કતારો લાગી છે. ત્યારે કોરોના દર્દીઓને હોસ્પિટલમાં જગ્યા ન મળતાં દર્દીઓ હોસ્પિટલની બહાર જ મોત ને ભેટી રહ્યા છે. શેખપાટથી આવેલાં 60 વર્ષના વૃધ્ધા ને સારવાર ન મળતાં હોસ્પિટલની બહાર રિક્ષામાં જ મૃત્યુ થયું હતું. આ ઉપરાંત 108માં ધ્રોલ ગામના 78 વર્ષિય વૃધ્ધાનું પણ હોસ્પિટલમાં સારવાર મળે તે પૂર્વે મૃત્યુ થયું હતું. જામનગરની જી.જી. હોસ્પિટલ ફૂલ થઇ ચૂકી છે. જેને કારણે હોસ્પિટલની બહાર કોરોના દર્દીઓનું લાબું વેઇટીંગ છે.