દિલ્હી-


દર્દીઓના સ્વસ્થ થવાનો દર વધીને ૭૪.૩૦ ટકાએ પહોંચ્યો છે, દેશમાં કોરોના ટેસ્ટિંગમાં ઝડપ, દૈનિક ૧૦ લાખને પાર


દુનિયાભરના તમામ દેશોની સાથે-સાથે ભારતમાં પણ કોરોના વાયરસનો આતંક પૂર ઝડપે વધી રહ્યો છે. દેશમાં છેલ્લા થોડા સમયથી કોરોના સંક્રમિતોના કેસ સતત વધી રહ્યા છે. આ સાથે જ કોરોનાથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ ધીમે ધીમે વધી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે શનિવારના રોજ દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને સંક્રમણનો કુલ આંકડો ૨૯ લાખને ઓળંગી ગયો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોનાના ૬૯૮૭૮ કેસ નોંધાતા કુલ કેસ ૨૯૭૫૭૦૧ થઈ ગયા છે.

જાેકે, એક સારી બાબત એ પણ છે કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ પણ સુધરી રહ્યો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૬૩૬૩૧ દર્દીઓ કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થઈ ગયા છે. આ સાથે જ આ આંકડો વધીને ૨૨૨૨૫૭૭ સુધી પહોંચી ગયો છે જે કોરોનાના એક્ટીવ કેસ કરતા ત્રણ ગણા કરતા પણ વધારે છે.

જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૯૪૫ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ કોરોના વાયરસના કારણે મોતને ભેટનાર લોકોની સંખ્યા વધીને ૫૫૭૯૪ સુધી પહોંચી ગઈ છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે શનિવાર સવાર સુધીમાં દેશભરમાં કોરોના વાયરસના ૬૯૭૩૩૦ એક્ટિવ કેસ છે.

દુનિયાભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં ૨૨૯૩૯૫૧૨ કેસ નોંધાઈ ચૂક્્યા છે. જેમાંથી ૭૯૮૮૪૬ લોકોના મોત નિપજ્યા છે જ્યારે ૧૪૭૦૦૬૩૭ લોકો સ્વસ્થ્ય થવામાં સફળ થયા છે. સમગ્ર દુનિયામાં અત્યારે ૭૪૪૦૦૨૯ કેસ એક્ટિવ છે. સતત વધી રહેલા કેસના કારણે દુનિયામાં સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં પહેલા સ્થાન પર અમેરિકા, બીજા સ્થાન પર બ્રાઝિલ, ત્રીજા સ્થાન પર ભારત અને ચોથા સ્થાન પર રશિયા છે. દેશમાં સક્રિય કેસના કેસો ૨૩.૮૨ ટકા છે અને સાજાનો દર ૭૪.૩૦ ટકા છે, જ્યારે મૃત્યુ દર ૧.૮૯ ટકા છે.

રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા કોરોના ટેસ્ટિંગમાં વધારો કરવામાં આવ્યો હોવાથી દેશમાં એક દિવસમાં દસ લાખ કોરોના ટેસ્ટનો આંકડો હાંસલ થયો છે. વધુ ટેસ્ટ કરવાથી પોઝિટિવ દરમાં પણ વધારો થાય છે અને સમયસર આઈસોલેશન, અસરકારક ટ્રેકિંગ, સમયસર ક્લિનિકલ સારવાર વગેરે બાબતોને પગલે રિકવરી રેટમાં પણ સુધારો થઈ શકે છે તેમ મંત્રાલયે ઉમેર્યું હતું. શુક્રવારે ૧૦,૨૩,૮૩૬ ટેસ્ટ થયા હતા જે પૈકી ૩.૮ લાખ રેપિડ એન્ટિજેન ટેસ્ટ રહ્યા હતા.