દિલ્હી-

ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત થઈ રહેલો ઘટાડો રાહત આપી રહ્યો છે તો બીજી તરફ વધી રહેલા મૃત્યુઆંક ચિંતાનું કારણ બની રહ્યા છે. ફરી એકવાર દેશમાં કોરોનાના એક દિવસમાં નોંધાતા મૃત્યુઆંકે નવો રેકોર્ડ નોંધાવ્યો છે. એકાદ બે દિવસને બાદ કરતા દેશમાં ૧૨ દિવસથી નવા કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે.કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આજે સવારે જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે પાછલા ૨૪ કલાકમાં દેશમાં ફરી એકવાર કોરોનાના મોતનો આંકડો ૪૦૦૦ને પાર જવાની સાથે એક જ દિવસમાં ૪,૫૨૯ મૃત્યુઆંકે નવો રેકોર્ડ નોંધાવ્યો છે. જ્યારે ૨૪ કલાકમાં વધુ ૨,૬૭,૩૩૪ લોકો કોરોનામાં સપડાયા છે.

ભારતમાં કોરોનાના કુલ કેસનો આંકડો અઢી કરોડને પાર કરીને ૨,૫૪,૯૬,૩૩૦ થઈ ગયો છે, જ્યારે વધુ ૩,૮૯,૮૫૧ દર્દીઓ સાજા થતા કોરોનાને હરાવીને કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા ૨,૧૯,૮૬,૩૬૩ પર પહોંચી ગઈ છે. દેશમાં કુલ કોરોનાથી થયેલા મૃત્યુની સંખ્યા ૨,૮૩,૨૪૮ થઈ ગઈ છે.દેશમાં પાછલા કેટલાક સમયથી નવા કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે જેમાં ૩ દિવસથી આંકડો ત્રણ લાખથી નીચે નોંધાઈ રહ્યો છે જેની સામે સાજા થનારા દર્દીઓની સંખ્યા વધી રહી છે જેના લીધે એક્ટિવ કેસ ઘટીને ૩૨,૨૬,૭૧૯ થઈ ગયા છે.

પાછલી ૬ મેના રોજ કોરોનાના કેસ પીક પર પહોંચ્યા બાદ તેમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. જાેકે, પાછલા ૧૨ દિવસથી નવા કેસમાં ઘટાડો છતાં દુનિયાના કોઈ દેશમાં નોંધાતા કેસમાં સૌથી વધારે કેસ નોંધાઈ રહ્યા છે. ભારતમાં ૨.૬૭ લાખ કેસની સરખામણી વિશ્વ આરોગ્ય સંસ્થાના ગ્લોબલ ડેટા સાથે કરીએ તો દુનિયામાં કોરોનાના દૈનિક કેસમાં બ્રાઝિલ બીજા નંબર પર આવે છે, જ્યાં ૨૪ કલાકમાં ૪૦,૮૪૧ કેસ સામે આવ્યા છે. આ પછી અમેરિકા (૧૭,૯૮૪), અજેર્ન્ટિના (૧૬,૩૫૦) અને કોલમ્બિયા (૧૫,૦૯૩)નો નંબર આવે છે. આ સિવાય દુનિયાના કોઈ પણ દેશમાં ૧૫,૦૦૦ કે તેનાથી વધારે કેસ નથી આવતા.કોરોના વાયરસનું મહારાષ્ટ્ર હોટસ્પોટ હતું પરંતુ હવે તે નંબર ૪ પર પહોંચી રહ્યું છે, અને એક્ટિવ કેસના મામલે તે બીજા નંબરે થઈ ગયું છે. કર્ણાટકામાં દેશમાં સૌથી વધુ ૫,૭૫,૦૨૮ એક્ટિવ કેસ છે, જ્યારે મહારાષ્ટ્રમાં એક્ટિવ કેસની સંખ્યા ૪,૧૯,૭૨૭ નોંધાઈ છે.આઇસીએમઆર મુજબ ૧૮ મે સુધીમાં કુલ ૩૨,૦૩,૦૧,૧૭૭ લોકોના કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા છે, જેમાંથી મંગળવારે ૨૦,૦૮,૨૯૬ લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે. ભારતમાં ૧૬ જાન્યુઆરીએ શરુ થયેલા કોરોના રસી અભિયાનમાં અત્યાર સુધીમાં કુલ ૧૮,૫૮,૦૯,૩૦૨ ડોઝ આપવામાં આવ્યા છે.