અમદાવાદ ગુજરાત એક તરફ નવરાત્રીના તહેવારો ઉજવણીને હવે દિપાવલી માટેની તૈયારી ભણી જઈ રહ્યું છે તે વચ્ચે રાજયમાં કોરોનાના કેસમાં ફરી એક વધારો જાેવાતા આરોગ્ય નિષ્ણાંતોની ચિંતા વધી ગઈ છે. ખાસ કરીને નવરાત્રીની તહેવારોની ઉજવણીની સાથે જ છેલ્લા પાંચ દિવસમાં કેસ ડબલ થયા છે.

રાજય તા.૧૦ ઓકટોબરના અગાઉના દિવસોની જેમ રોજના પોઝીટીવ ૨૦ની અંદર નોંધાતા હતા પણ નવરાત્રી શરુ થતા જ આ કેસ વધવા લાગ્યા છે.તા.૧૦ના ૧૮થી તા.૧૪ના ૩૪ નવા પોઝીટીવ કેસ નોંધાય છે. આમ પાંચ દિવસમાં ૮૮% વધારો થયો છે.રાજયમાં કોરોનાની વિદાય બાદના છેલ્લા ૮૨ દિવસના સૌથી વધુ ડેઈલી કેસ અને છેલ્લા ૭૨ દિવસના સૌથી વધુ એકટીવ કેસ પણ નોંધાયા છે. ખાસ કરીને હવે દક્ષિણ ગુજરાતમાં કેસ વધ્યા છે. જયાં ૫૦% નો વધારો થયો છે.આમ ટકાવારીની દ્રષ્ટિએ ગુજરાતે નવા કેસમાં હવે મહારાષ્ટ્રને પાછળ રાખી દીધું છે.એકટીવ કેસ જે સારવાર હેઠળ હોય તે પણ વધ્યા છે. હાલ ૨૧૫ એકટીવ કેસ છે. સપ્ટેમ્બરમાં કુલ ૫૧૪ કેસ નોંધાયા જે દૈનિક કેસ મુજબ રોજના ૧૭ સરેરાશ કેસ હતા. હવે ૩૪ થયા છે. તા.૧૦ ઓકટોબર બાદ કેસમાં વધારો થયો છે અને તેમાં સુરત સીટી ૨૦ જીલ્લા ૯, વલસાડ ૨૩, નવસારી ૮ એ મુખ્ય વધારો છે.અમદાવાદમાં હવે ખાનગી હોસ્પીટલમાં કોરોનાના કેસ વધ્યા છે.હાલ ૭ દર્દીઓ છે જેમાં ૨ આઈસીયુમાં છે. દક્ષિણ ગુજરાત, સુરતમાં વધતા કેસ સૌરાષ્ટ્ર માટે ચિંતા બની શકે છે. કારણ કે દિપાવલીના તહેવારોમાં સુરતમાંથી હજારો લોકો સૌરાષ્ટ્રમાં તેના વતનમાં આવશે. તહેવારોના સમયમાં જે રીતે બજારમાં ભીડ સોશ્યલ ડીસ્ટન્સનો અભાવ અને માસ્ક વગરના ફરતા લોકો આ બધાનો સરવાળો થશે. ઉપરાંત શિયાળાનું વાતાવરણ સર્જાવા લાગશે.વાયરસને પણ ફરી તાકાતવાન થવાથી તક મળશે. સુરત, વલસાડ, અમદાવાદમાં ૪૦ એકટીવ કેસ ભલે ઓછા દેખાતા હોય પણ સંક્રમણમાં તે મહત્વની ભૂમિકા ભજવી શકે છે. બીજી તરફ હવે ગઈકાલે રાષ્ટ્રીય કેસ ૧૯૦૦૦ કેસ થતા જ નિષ્ણાંતોએ ચેતવણી આપી છે. દેશમાં એક તબકકે ૧૪૦૦૦ના આસપાસ દૈનિક કેસ થયા હતા પણ તહેવારોની ભીડથી કેસમાં વધારો થઈ રહ્યો છે.કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવીયા અને સરકારની ટાસ્ક ફોર્સના સભ્ય વી.કે.પૌલે પણ તહેવારોના કારણે જે રીતે બજારોમાં અને અન્યત્ર ભીડ એકત્રીત થાય છે તેના પર ચેતવણીનો અવાજ ઉઠાવ્યો છે. ભારતે જાે કે અગાઉની બે લહેર કરતા હાલ વધુ સારી રીતે તૈયારી કરી છે.દેશના ૭૧% વયસ્કોનો કોરોનાની વેકસીનનો એક ડોઝ અપાઈ ગયો છે પણ હવે બીજા ડોઝ માટે પણ તેવી જ ઝડપ બતાવવી પડશે.પૌલે કહ્યું કે આપણે કોરોનાની સ્થિતિને આ રીતે અંકુશ બહાર જવા દઈ શકીએ નહી. ગત તા.૯ના રોજ આરોગ્યમંત્રી મનસુખ માંડવીયાએ ૧૯ રાજયો અને કેન્દ્ર શાસીત પ્રદેશોના અધિકારીઓ સાથે વર્ચ્યુઅલ બેઠક કરીને પરીસ્થિતિનો તાગ મેળવવા ઉપરાંત તહેવારોમાં સાવધાનીની તાકીદ દર્શાવી હતી. કેન્દ્રના યોગ્ય સચિવે પણ ગાઈડલાઈનમાં દિવાળી સહિતના તહેવારોમાં પણ પ્રતિબંધાત્મક આદેશો જાળવી રાખવાની રાજયને સૂચના આપી છે.