દિલ્હી-

કોરોના મહામારીએ ભારતીય પર્યટન ઉદ્યોગને બરબાદ કરી નાખ્યો છે. ગયા વર્ષે માર્ચથી એક પણ પર્યટક ભારત નથી આવ્યો કેમ કે સરકારે ગયા વર્ષે ૨૦ માર્ચથી ટુરીસ્ટ વીઝા બંધ કરી દીધા છે. એક અનુમાન અનુસાર ભારતીય પર્યટન ઉદ્યોગને ૬૦ હજાર કરોડનું નુકસાન થઇ ચૂકયું છે.

ટુર ઓપરેટર લાજપત રાય ફકત જાપાની પ્રવાસીઓ પાસેથી જ વાર્ષિક ૪૦-૫૦ કરોડનો બીઝનેસ કરતા હતા. ગયા નાણાકીય વર્ષમાં તેમને એક રૂપિયાની પણ આવક નથી થઇ. કોરોનાના કારણે ટ્રાવેલ, ટુર, હોટલ અને રોડ પરના ધાબા માલિકોની હાલત ખરાબ છે. વિદેશી પર્યટકો તો આમ પણ છેલ્લા ૧૩ મહિનાથી ભારત નથી આવ્યા. કેન્દ્રીય પર્યટન પ્રધાન પ્રહલાદ પટેલે સંસદને જણાવ્યું કે, ૨૦૧૯ની સરખામણીમાં ૨૦૨૦માં વિદેશી પ્રવાસીઓ ૭૫ ટકા ઓછા આવ્યા કેમકે ૨૫ માર્ચથી ટુરીસ્ટ વીઝા નથી આપવામાં આવ્યા. ઇન્ડીયન એસોસીએશન ઓફ ટુર ઓપરેટર્સના મહામંત્રી રજનીશ કાયસ્થે જણાવ્યું કે, તેમના મોટાભાગના સભ્યોના ધંધામાં ૯૦ ટકા સુધીની અસર થઇ છે અને ઉદ્યોગને ૬૦૦૦૦ કરોડનું નુકસાન થયું છે. મોટાભાગના ઓપરેટરોએ ૮૦ થી ૯૦ ટકા કર્મચારીઓને છુટા કરી દીધા છે અથવા તો વગર પગારની રજા પર મોકલી દીધા છે. ઉદ્યોગને બેવડો માર પડયો છે. ધંધો ઠપ થઇ જતા આવક છે નહી અને ઓફિસના ભાડા, વાહનોના હપ્તા તથા રોડ ટેક્ષ ચૂકવવાનું તો ચાલુ જ છે.