ન્યુ દિલ્હી,

અનલોક-૧માં કોરોના વાઇરસના કેસો દિલ્હીની જેમ દેશમાં પણ સતત વધી રહ્યાં છે. કેન્દ્રના આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ, આજે સોમવારે સવારે પૂરા થયેલા ૨૪ કલાક દરમ્યાન સમગ્ર દેશમાં વિવિધ રાજ્યોમાં કુલ ૧૫,૧૫૮ કેસ નોંધાયા હતા. આ જ સમયગાળામાં વધુ ૪૨૬ લોકોના મોત થતાં મૃત્યુઆંક પણ વધીને ૧૩ હજારને પાર થયો છે. અત્યાર સુધી કોરોના વાયરસના ૪,૨૫,૨૮૨ કેસ સામે આવ્યા છે, જેમાંથી ૧,૭૪,૩૮૭ દર્દીઓ સારવાર હેઠળ છે અને ૨,૩૭,૧૯૬ લોકો સ્વસ્થ થઈ ગયા છે. દેશમાં અત્યાર સુધી કોરોનાથી ૧૩,૬૯૯ લોકોના મોત થઈ ગયા છે. કેસો વધવા અંગે એવું કારણ આપવામાં આવી રહ્યું છે કે, કોરોના ટેસ્ટીંગની માત્રા વધારવામાં આવતાં વધુ કેસો બહાર આવી રહ્યાં છે.

દરમ્યાનમાં દિલ્હીમાં કોરોનાના દર્દીઓને ઓકસીજન મીટર અપાશે જેથી હોમ આઈસોલેટ દર્દી જાતે જ ઓકસીજન લેવલ પોતના ઘરે જ ચેક કરી શકશે, એવી જાહેરાત સીએમ અરવિંદ કેજરીવાલે કરી હતી.

સમગ્ર દેશમાં જ્યાં સૌથી વધુ કેસો છે તે મહારાષ્ટમાં કોરોના વાયરસના કુલ ૧,૩૨,૦૭૫ કેસ નોંધાયા છે જેમાંથી ૬૦,૧૬૧ એકટીવ કેસ છે અને ૬૫,૭૪૪ લોકો સાજા થઈ ગયા છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાને કારણે ૬,૧૭૦ લોકોના મોત થયા છે.

દિલ્હીમાં કોરોનાના કુલ ૫૯,૭૪૬ કેસ સામે આવ્યા છે. જેમાંથી ૨૪,૫૫૮ એકટીવ કેસ છે અને ૩૩,૦૧૩ લોકો સાજા થઈ ગયા છે. દિલ્હીમાં ૨,૧૭૫ લોકોએ કોરોનાને કારણે પોતાના જીવ ગુમાવ્યા છે. તમિલનાડુમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની કુલ સંખ્યા ૫૯,૩૭૭ પર પહોંચી ગઈ છે.

જ્યારે એક અન્ય અહેવાલ પ્રમાણે,. સૌથી વધારે ૩૮૭૦ કેસ મહારાષ્ટમાં અને ત્યારપછી ૩૦૦૦ કેસ દિલ્હીમાં આવ્યા હતા. છેલ્લા ૧૩ દિવસોમાં દેશમાં સાજા થનારા દર્દીઓની સંખ્યા સંક્રમિત દર્દીઓ કરતા વધી રહી છે. હવે ૧ લાખ ૭૫ હજાર ૯૦૪ દર્દીઓની સારવાર ચાલી રહી છે, જ્યારે ૨ લાખ ૩૭ હજાર ૨૫૨ સાજા થઈ ચુકયા છે. કુલ ૧૩ હજાર ૭૦૩ દર્દીઓના મોત થયા છે.

સૂત્રોએ કહ્યું કે, કોરોના સંક્રમિતોની સંખ્યામાં ઝડપથી થઈ રહેલા વધારાનું એક કારણ ગત દિવસોથી વધારવામાં આવેલું ટેસ્ટીંગ છે. ૧૬ જૂન સુધી દેશમાં દોઢ લાખ ટેસ્ટ થયા હતા. હવે તેની સંખ્યા ૨ લાખની આસપાસ છે. રવિવારે ૧ લાખ ૯૦ હજાર ૭૩૦ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

પાંચ મુખ્ય રાજ્યોમાં કોરોનાના કેસો જાઇએ તો ઉત્તરપ્રદેશમાં રવિવારે બાગપતમાં ૧૧, હરદોઈ અને મુરાદાબાદમાં ૮-૮, મુઝફ્ફરનગરમાં ૨,ફર્રુખાબાદમાં ૭, એટામાં ડોક્ટર સહિત ૯ લોકોમાં કોરોનાની પુષ્ટી થઈ છે. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા ૧૭ હજાર ૨૦૦ પહોંચી ગઈ છે.

બિહારના ૧૬ જિલ્લામાં રવિવારે ૨૧ મહિલાઓ સહિત ૯૯ પોઝિટિવ મળ્યા હતા. રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા ૭૬૦૨ થઈ ગઈ છે. સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું કે, દરભંગા જિલ્લામાં કોરોનાના સૌથી વધારે ૩૨ કેસ આવ્યા હતા. ત્યારબાદ સમસ્તીપુરમાં ૧૮, બાંકા અને ભાગલપુરમાં ૯-૯, પટના અને રોહતાસમાં ૫-૫, સીવાનમાં ૦૪, કિશનગંજ અને નવાદામાં ૩-૩, ભોજપુર, મધેપુરા, મુંગેર, અને પશ્વિમ ચંપારણમાં ૨-૨, જહાનાબાદ, નાલંદા અને વૈશાલીમાં ૧-૧ સંક્રમિત મળી આવ્યા હતા.

મધ્યપ્રદેશમાં ઉજ્જૈનમાં રવિવારે ૩ કેસ સામે આવ્યા પછી અહીંયા કોરોના પોઝિટિવ સંખ્યા વધીને ૮૨૬ થઈ ગઈ છે, જ્યારે બે દર્દીઓના મોત થયા છે. આ સાથે જ ઈન્દોર જિલ્લામાં ૪૧ સંક્રમિત વધી ગયા છે. અહીંયા અત્યાર સુધી ૪૩૨૯ કેસ સામે આવી ચુકયા છે. જેમાંથી ૩૧૮૫ દર્દી સાજા થયા છે.

મહારાષ્ટમાં ગઇકાલે રવિવારે ૩૮૭૦ સંક્રમિત મળ્યા હતા. જે એક દિવસમાં કોરોનાના નવા કેસનો બીજા સૌથી મોટો આંકડો છે. શનિવારે અહીંયા સૌથી વધારે ૩૮૭૪ રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. પૂણેમાં પણ ૨૪ કલાકમાં ૮૨૩ કેસ સામે આવ્યા હતા. જે અહીંયા એક દિવસમાં સંક્રમિતોની સૌથી વધુ સંખ્યા છે.

જ્યારે, રાજસ્થાનમાં આરોગ્ય વિભાગના જણાવ્યાં પ્રમાણે, રવિવારે રાજ્યમાં ૧૫૪ કેસ આવ્યા હતા. જેમાંથી સૌથી વધારે ૫૯ દર્દી ધૌલપુરમાં મળ્યા હતા. આ ઉપરાંત જયપુરમાં ૩૧, ઝૂંઝૂનૂમાં ૨૨, અલવરમાં ૧૨, સીકરમાં ૯, ડૂંગરપુરમાં ૦૫, રાજસમંદમાં ૦૩, ઝાલાવાડ, નાગૌર અને ઉદેયપુરમાં ૨-૨. ચુરુમાં એક કેસ સામે આવ્યો હતો. એક કેસ અન્ય રાજ્યમાંથી છે.