સુરત : શહેરમાં કોરોના સંક્રમણ વધી રહ્નાં છે. ત્યારે બેદરકારીના કિસ્સા પણ એટલા જ જોવા મળે છે. લિંબાયત વોર્ડ નંબર ૨૪ના કોર્પોરેટર અમિત રાજપૂત કોરોના પોઝિટિવ આવ્યા બાદ હોસ્પિટલમાં ૧૫ દિવસ સારવાર ચાલી હતી. અમિત રાજપુતે કોરોનાને હરાવી કોરોના મુક્ત થયા બાદ હોસ્પિટલથી ઘરે પરત ફરતી વખતે કોર્પોરેટરનું સ્વાગત ઢોલ-નગારાના તાલ સાથે કરવામાં આવ્યુ હતુ.  

કોરોનાને હરાવીને આવેલા કોર્પોરેટરનું સ્વાગત કરવામાં કાર્યકરો સોશિયલ ડિસ્ટન્સના તમામ નિયમોના ધજાગરા ઉડાવતા હોય તેમ માસ્ક પહેર્યા વગર સેલ્ફી ખેંચી હતી. કોરોનામુક્ત થયેલા કોર્પોરેટર પણ તેમને ટપારવાની જગ્યાએ જાણે ચૂંટણી જીતીને આવ્યા હોય તેવા હાવભાવ સાથે આગળ વધતા હોવાનું સામે આવ્યું છે. ભાજપના નેતા અને કાર્યકરો દ્વારા નિયમોના ધજાગરા ઉડાડતા હોવાથી નવો વિવાદ ઉભો થયો છે.

ભાજપના કોર્પોરેટર અમિત રાજપુત કોરોનાની ઝપેટમાં આવ્યા બાદ સારવાર અર્થે કિરણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ અંગે અમિત રાજપૂતે પોતાના એક મેસેજમાં જણાવ્યું હતું કે, કોરોનાના કારણે હું કિરણ હોસ્પિટલમાં દાખલ હતો, પરંતુ સોમવારે મારો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જેનાથી મને રજા આપવામાં આવી છે .જેથી હું બધાનો આભારી છું. અમિત રાજપૂતનું સ્વાગત કરતી વખતે મહિલાઓએ તેમને ચાંદલા કર્યા હતાં. કાર્યકરોએ ઝીંદાબાદના નારા લગાવી પુષ્પ વર્ષા કરી હતી. અમિત રાજપૂતના સ્વાગતનો વીડિયો વાઇરલ થયો છે. મહાનગરપાલિકાના ડ્રેનેજ કમિટીના અધ્યક્ષ અમિત રાજપૂત પોતે કોરોના પોઝિટિવ થયા હતા. છેલ્લા ૧૫ દિવસથી એમની શહેરની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. કોરોનાની સારવાર બાદ તેમને સોમવારે રજા આપવામાં આવી હતી. ઘરે આવ્યા ત્યારે તેમનુંસ્વાગત કરાયું હતું.