વડોદરા : વડોદરા શહેર-જિલ્લામાં દિવાળીના તહેવાર બાદ કોરોનાના આક્રમણથી એકાએક કેસોમાં ઉછાળો જાેવા મળી રહ્યો છે જેના પરિણામે વિતેલા છેલ્લા ર૪ કલાકમાં આજે ૧૦૫ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા હતા, જ્યારે કોરોનાની સારવાર લઈ રહેલા ગોરવા અને વારસિયા ભિક્ષુકગૃહમાં રહેતા અને કોરોના સંક્રમિત બનેલા બે દર્દીઓ સહિત ૭ દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં. ડેથ ઓડિટ કમિટીએ આજે વધુ એક દર્દીનું કોરોનામાં મોત જાહેર કરતાં સત્તાવાર કોરોનાનો મૃત્યુઆંક ૨૧૮ પર પહોંચ્યો હતો. તદ્‌ઉપરાંત હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા અને સાજા થયેલા ૫૮ દર્દીઓને હોસ્પિટલોમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે ડિસ્ચાર્જ દર્દીઓની કુલ સંખ્યા ૧૫,૭૪૪ થઈ હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લા એક માસથી સતત ૯૦ અને ૯પ વચ્ચે કોરોનાના કેસોની સંખ્યા રહેતી હતી જેમાં છેલ્લા બે દિવસથી કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૧૦૦થી વધુ એટલે કે ૧૦૫ પોઝિટિવ કેસો નોંધાયા હતા જે વધીને કુલ સંખ્યા ૧૭,૧૪૬ થઈ હતી. 

અમદાવાદમાં દર્દીઓની વિસ્ફોટ સ્થિતિ વચ્ચે આજે વડોદરા શહેરમાં ઉછાળા સાથે કોરોના પોઝિટિવ કેસ ૧૦૧ સામે આવ્યા હતા. સપ્ટેમ્બરના મધ્યથી કોરોનાના કેસ અને મૃત્યુઆંકમાં ઘટાડો નોંધાયા બાદ ફરી એકવાર આ મહિનામાં દિવાળીના તહેવારોની ઉજવણી પહેલાં ઉછાળો નોંધાયો છે પરંતુ સત્તાધીશોની આંકડાની માયાજાળમાં કોરોનાનો સાચો આંકડો જણાવવામાં આવતો નથી. નવા કેસોની સાથે કોરોના વાઈરસથી મૃત્યુ પામનાર લોકોની સંખ્યામાં પણ વધારો નોંધાઈ રહ્યો છે. તેમ છતાં સ્થાનિક શહેર-જિલ્લાના વહીવટી સત્તાધીશો દ્વારા આજે કોરોના પોઝિટિવ ૧૦૫ કેસો જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે ૫૮ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે. આજના ડિસ્ચાર્જ દર્દીઓઓની સાથે ડિસ્ચાર્જ દર્દીઓની કુલ સંખ્યા ૧૫,૭૪૪ થઈ હતી. આરોગ્ય વિભાગની ટીમો દ્વારા વિતેલા કલાકોમાં શહેર-જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી ૩૫૭૬ શંકાસ્પદ કોરોનાના લક્ષણો ધરાવતી વ્યક્તિઓના સેમ્પલો લેવામાં આવ્યા હતા. જેમાં ૩૪૭૧ વ્યક્તિઓના કોરોના નેગેટિવ રિપોર્ટ આવ્યા હતા. બીજી તરફ ડેથ ઓડિટ કમિટીએ પણ છેલ્લા એક દર્દીનું મોત જાહેર કરતાં કુલ મૃત્યુઆંક ૨૧૮ પર થયો હતો. જ્યારે બિનસત્તાવાર કોરોનાના ૭ દર્દીઓના સારવાર દરમિયાન મોત નીપજ્યાં હતાં. જેમાં ગોરવા વિસ્તારના ૩૮ વર્ષીય અને વારસિયા ભિક્ષુકગૃહમાં રહેતા ૭૦ વર્ષીય વ્યક્તિનું સારવાર વેળા સયાજી હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. આ સાથે શહેરની હોસ્પિટલોમાં ૧૧૮૪ દર્દીઓમાં ૧૬૫ દર્દીઓ ઓક્સિજન પર, ૬૬ વેન્ટિલેટર પર અને ૯૫૩ દર્દીઓની તબિયત સુધારા પર હોવાનું તબીબીસૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

આરોગ્ય વિભાગની અલગ અલગ ટીમોએ શહેરના બાપોદ, ગોત્રી, ફતેગંજ, તરસાલી, વારસિયા, દંતેશ્વર, સલાટવાડા, વાસણા-ભાયલી રોડ, એકતાનગર, કારેલીબાગ, વીઆઈપી રોડ, આજવા રોડ, સુભાનપુરા, તાંદલજા, માણેજા, બાપોદ સહિતના વિસ્તારો અને ગ્રામ્યના સાવલી, પાદરા, ડેસર, જરોદ, કલાલી, ડભોઈ, કરજણ અને વાઘોડિયા સહિતના વિસ્તારોમાંથી ૩૫૭૬ વ્યક્તિઓના શંકાસ્પદ કોરોનાના સેમ્પલો લેવામાં આવ્યા હતા જેમાં ૩૪૭૧ વ્યક્તિના નેગેટિવ રિપોર્ટ આવ્યા હતા, જ્યારે ૧૦૫ પોઝિટિવ રિપોર્ટ આવ્યા હતા. જેમાં વડોદરા ગ્રામ્યમાંથી સૌથી વધુ ૩૯ કેસ નોંધાયા હતા. જ્યારે શહેરના ચાર ઝોનમાંથી ઉત્તર ઝોનમાં ૧૫, દક્ષિણ ઝોનમાં ૧૯, પશ્ચિમ ઝોનમાં ૧૭ અને પૂર્વ ઝોનમાં ૧૫ કેસ પોઝિટિવ આવ્યા હતા.