દિલ્હી-

કોરોના સંક્રમણમાં જીવ ગુમાવનારા ડોક્ટર્સની મોતનો આંકડો સરકાર દ્વારા સંસદમાં આપવાની ના પાડવા પર ઈન્ડિયન મેડિકલ એસોસિએશનને વાંધો ઉઠાવ્યો છે. સરકારે સંસદમાં કહ્યું હતું કે, કોરોના સંક્રમણથી જીવ ગુમાવનારા કે આ વાયરસથી સંક્રમિત થનારા ડોક્ટરો તથા અન્ય સ્વાસ્થ્ય કર્મીઓનો ડેટા નથી. જે બાદ આઈએમએ દ્વારા સંક્રમણથી જીવ ગુમાવનારા 382 ડોકટરોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું અને તેમને શહીદનો દરજજો આપવાની માંગ કરી છે.

આઈએમએ પ્રેસ રિલીઝમાં કહ્યું, જો સરકાર કોરોના સંક્રમિત થનારા ડોકટરો તથા અન્ય સ્વાસ્થ્ય કર્મીઓના ડેટા નથી રાખતી તો મહામારી એક્ટ 1897 તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ લાગુ કરવાનો નૈતિક અધિકાર ગુમાવી બેસે છે. એક તરફ સરકાર ડોક્ટરોને કોરોના વોરિયર કહે છે અને બીજી તરફ શહીદનો દરજજો આપવાની ના પાડે છે. 

એક સવાલના જવાબમાં સંસદમાં સ્વાસ્થ્ય રાજ્યમંત્રી અશ્વિની ચૌબેએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર પાસે કોરોના સંક્રમણથી જીવ ગુમાવનારા ડોક્ટરોના આંકડા નથી. કારણકે સ્વાસ્થ્ય મામલા રાજ્યો અંતર્ગત આવે છે અને કેન્દ્રીય સ્તર પર આ આંકડા એકત્ર નથી કરવામાં આવતા તેમ કહ્યું હતું. આ પહેલા સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને તેમના નિવેદનમાં જીવ ગુમાવનારા ડોક્ટરોનો કોઈ ઉલ્લેખ નહોતો કર્યો. 

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં દેશમાં 97,894 નવા કેસ અને 1,132 લોકોના મોત થયા છે. કોરોનાના કુલ કેસની સંખ્યા 51,18,254 પર પહોંચી છે. જેમાંથી 10,09,976 એક્ટિવ કેસ છે અને 40,25,080 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 83,198 પર પહોંચ્યો છે.