વડોદરા : છેલ્લા એક અઠવાડિયાથી શહેરમાં રોજ કોરોનાના ૧૦૦થી વધુ પોઝિટિવ કેસો નોંધાય છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૧૧૨ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા હતા. તેની સામે આજે હોસ્પિટલમાં કોરોનાની સારવાર બાદ સાજા થયેલા ૧૦૮ દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યા હતા. આ સાથે ડિસ્ચાર્જ આપવામાં આવેલ દર્દીઓની કુલ સંખ્યા ૧૬,૨૦૩ થઈ હતી. જ્યારે ડેથ ઓડિટ કમિટીએ આજે એક દર્દીનું મોત નીપજ્યું હોવાની જાહેરાત કરતા સત્તાવાર મૃત્યુઆંક ૨૨૦ પર પહોંચ્યો છે. જ્યારે, બિનસત્તાવાર રીતે જોઈએ તો શહેરની જુદી જુદી સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં સારવાર મેળવી રહેલા અકોટાના ૭૦ વર્ષીય વેપારી સહીત કુલ ૧૩ દર્દીઓના મોત નિપજ્યા હોવાની માહિતી મળી છે. 

આજે કોરોનાના ૧૧૨ કેસો આવતાં કુલ સંખ્યા ૧૭,૫૫૭ થઈ હતી. શહેર-જિલ્લામાં વિતેલા ૨૪ કલાકોમાં આરોગ્ય વિભાગની ટીમો દ્વારા ૩૮૬૧ શંકાસ્પદ કોરોનાના લક્ષણો ધરાવતી વ્યક્તિઓના સેમ્પલો લેવામાં આવ્યા હતા. જેમાં ૩૭૪૯ વ્યક્તિના કોરોના નેગેટિવ રિપોર્ટ આવ્યા હતા. જ્યારે, શહેરની વિવિધ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં સારવાર મેળવી રહેલા અકોટા વિસ્તારમાં રહેતા ૭૦ વર્ષીય પ્લાસ્ટિકની વસ્તુઓના વેપારી સહીત કુલ ૧૩ દર્દીઓના મોત નિપજ્યા હતા. જોકે, ડેથ ઓડિટ કમિટી દ્વારા માત્ર એક સત્તાવાર મોત નીપજ્યું હોવાની જાણકારી આપવામાં આવી છે. આજે હોસ્પિટલોમાંથી રજા આપવામાં આવેલા ૧૦૮ દર્દીઓમાંથી ૨૦ સરકારી, ૩૪ ખાનગી હોસ્પિટલમાંથી, જ્યારે ૫૪ દર્દીઓ હોમ આઈસોલેશનમાંથી રજા આપવામાં આવી હતી. જ્યારે હોસ્પિટલોમાં કોરોનાની સારવાર લઈ રહેલા ૧૧૫૪ દર્દીઓમાંથી ૯૨૧ દર્દીઓની હાલત સુધારા પર અને ૧૬૬ દર્દીઓ ઓક્સિજન પર તેમજ ૬૭ દર્દીઓ વેન્ટિલેટર પર હોવાનું તબીબીસૂત્રોએ જણાવ્યું હતું.આરોગ્ય વિભાગની અલગ અલગ ટીમોએ શહેરના ફતેગંજ, માંજલપુર, ગોરવા, તરસાલી, કારેલીબાગ, કિશનવાડી, વડસર, છાણી, દંતેશ્વર, વીઆઈપી રોડ, વાઘોડિયા રોડ, ગોત્રી, બાપોદ, સવાદ ક્વાર્ટર્સ, અકોટા, સમા, આજવા રોડ, સુભાનપુરા, મકરપુરા, નવી ધરતી, વાસણા રોડ, છાણી, તાંદલજા, પાણીગેટ, આજવા રોડ સહિતના વિસ્તારો તથા ગ્રામ્યમાં ડભોઈ, વાઘોડિયા, ભાયલી, ઊંડેરા, કોયલી, પોર, કરજણ, શિનોર, પાદરા સહિતના વિસ્તારોમાંથી ૩૮૬૧ વ્યક્તિઓના સેમ્પલો લેવામાં આવ્યા હતા, જેમાં ૩૭૪૯ વ્યક્તિઓના નેગેટિવ રિપોર્ટ આવ્યા હતા. જ્યારે, ૧૧૨ પોઝિટિવ કેસો નોંધાયા હતા. વડોદરા ગ્રામ્યમાંથી સૌથી વધુ ૪૦ તેમજ શહેરના ચાર ઝોનમાંથી ઉત્તર ઝોનમાંથી ૨૧, પશ્ચિમ ઝોનમાંથી ૧૪, પૂર્વ ઝોનમાંથી ૧૪ અને દક્ષિણ ઝોનમાંથી ૨૩ કેસો નોંધાયા હતા.

રાવપુરા પોસ્ટ ઓફિસના સાત કર્મચારીઓ સંક્રમિત થતાં પોસ્ટ ઓફિસ બે દિવસ માટે બંધ

વડોદરા ઃ શહેરની રાવપુરા ખાતેની મુખ્ય પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા અધિકારી સહિત સાત કર્મચારીઓનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં અન્ય કર્મચારીઓમાં ભયનો માહોલ ફેલાયો હતો. જાે કે, તમામ ૧૦૦ જેટલા કર્મચારીઓના સયાજી હોસ્પિટલ અને નાગરવાડા હેલ્થ સેન્ટર ખાતે ટેસ્ટ કરવામાં આવ્યા હતા. પોસ્ટ વિભાગ દ્વારા શુક્રવાર અને શનિવાર એમ બે દિવસ જીપીઓની કામગીરી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.રાવપુરા જનરલ પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા બે કર્મચારીઓ કોરોના સંક્રમિત થતાં આજે જીપીઓમાં ફરજ બજાવતા ૧૦૦ જેટલા કર્મચારીઓએ એક બાદ એક એસએસજી અને નાગરવાડા અર્બન હેલ્થ સેન્ટરમાં કોરોના ટેસ્ટ કરાવ્યો હતો જેમાં વધુ પાંચ કર્મચારીઓનો રિપોર્ટ પોઝિટિવ આવતાં પોસ્ટ વિભાગ દ્વારા ઓફિસને સેનિટાઈઝેશન કરવાની કામગીરીને લઈને શુક્રવાર અને શનિવાર એમ બે દિવસ પોસ્ટ ઓફિસ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જાે કે, રવિવાર અને સોમવારે ગુરુનાનકની જયંતીની રજા હોઈ હવે જીપીઓની કચેરી મંગળવારે ખૂલશે.

સીટી સર્વે સુપ્રિટેન્ડેન્ટ નં-૧ ની કચેરી સોમવાર સુધી બંધ

વડોદરા ઃ વડોદરાના અકોટામાં સબ રેજીસ્ટ્રાર ઓફિસ કેમ્પાઉન્ડ માં પેહલા માળે આવેલ, સીટી સર્વે સુપ્રિટેન્ડેન્ટ નંઃ૧ ની કચેરીમાં ૧ કર્મચારી નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા, આ કચેરીની સેનિટાઇઝેશન તથા સાફ સફાઈ ની કામગીરી કરવાની હોય, માટે જાહેર આરોગ્ય અને અરજદારોના હિત ને ધ્યાન માં રાખી તાઃ ૨૬ થી ૩૦/૧૧ સુધી સિટી સર્વે સુપ્રિટેન્ડેન્ટ નંઃ૧ ની કચેરીને તકેદારીના ભાગરૂપે સ્થગિત કરવામાં આવેલ છે, તેવું સિટી સર્વે સુપ્રિટેન્ડેન્ટ નંઃ૧ એ જણાવ્યુ હતુ.