ગાંધીનગર-

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ રાજ્યમાં કોરોનાના મોરચે વણસતી જતી પરિસ્થિતિ માટે રાજ્ય સરકારને જવાબદાર ઠેરવી છે. તેમણે સરકાર પર આરોપ મૂકયો હતો કે રાજ્ય સરકારના અણઘડ આયોજનના લીધે રાજ્યમાં કોરોનાનો ફેલાવો વધ્યો છે. રાજ્ય સરકારે જાે પૂરતી તકેદારી રાખી હોત તો કોરોનાના કેસોમાં આટલો વધારો થયો ન હોત. આ જ કારણસર સુપ્રીમ કોર્ટે પણ ગુજરાત સરકારનો ઉધડો લીધો છે.

સુપ્રીમ કોર્ટે પણ રાજ્યમાં કોરોનાના મોરચે વણસતી જતી સ્થિતિની ચિંતા કરી છે. તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર કોરોનાનો સામનો કરવા માટે પૂરતી સગવડો હોવાનો દેખાવ જ કરે છે. અમદાવાદના દર્દીઓને હોસ્પિટલમાં આણંદ કે નડિયાદ સુધી દાખલ કરવો પડે છે, છેક વડોદરામાં હોસ્પિટલની વ્યવસ્થા કરવામાં આવે છે તે શું બતાવે છે. આ બતાવે છે કે સરકાર ભલે એકબાજુએ કોરોનાના દર્દીઓ માટે બેડ ખાલી હોવાનો દાવો કરતી હોય, પરંતુ વાસ્તવિકતા એ છે કે આજે અમદાવાદની મોટાભાગની હોસ્પિટલો કોરોનાના દર્દીઓથી ઉભરાઈ રહી છે. તેના લીધે આજે શહેરની મોટાભાગની હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓ માટે જગ્યા જ રહી નથી. આ સરકારનું અણઘડ આયોજન નહીં તો શું છે, તેની પાસે આ સ્થિતિને પહોંચી વળવા માટે પૂરતો સમય હતો. આજે સરકારી હોસ્પિટલોમાં લોકોને પૂરતા પ્રમાણમાં બેડ મળી રહ્યા નથી.