મુંબઈ-

દેશમાં કોરોનાની બીજી લહેરની વચ્ચે ભલે હવે દર્દીઓની સંખ્યા ઘટી રહી હોય પણ વેક્સીનની અછત તો ચિંતાનુ કારણ બનેલી જ છે. તેમાં પણ બ્લેક ફંગસના કેસો વધી રહ્યા છે.કોરોનાના ઘટતા જતા કેસ વચ્ચે પણ અત્યારે દેશમાં સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાંથી જ આવી રહ્યા છે ત્યારે હવે મહારાષ્ટ્ર સરકારે કોરોનાના દર્દીઓની સારવાર અંગે એક મહત્વનો નિર્ણય લીધો છે.મહારાષ્ટ્ર સરકારે જાહેરાત કરી છે કે, કોરોનાના દર્દીઓ હવે હોમ આઈસોલેશનમાં નહીં રહી શકે. તેમણે હવે કોવિડ કેર સેન્ટરમાં જ રહેવુ પડશે. તેમને ઘરે રહીને સારવાર કરવા માટે પરવાનગી આપવામાં નહીં આવે.

ગુજરાતમાં કોરોનાના હળવા લક્ષણો ધરાવતા દર્દીઓ હોમ આઈસોલેશનમાં રહી શકે છે ત્યારે મહારાષ્ટ્રે પોતાની ગાઈડલાઈનમાં ફેરફાર કર્યો છે. આમ કોરોનાના દર્દીએ હોસ્પિટલમાં કે કોવિડ કેર સેન્ટરમાં જ સારવાર લેવી પડશે. મહારાષ્ટ્રમાં હાલમાં પોઝિટિવિટી રેટ 12 ટકા છે અને રિકવરી રેટ 93 ટકા છે. દરમિયાન મહારાષ્ટ્ર સરકારે બ્લેક ફંગસના દર્દીઓની વધી રહેલી સંખ્યાને જોતા હોસ્પિટલોમાં તેમની વિના મુલ્યે સારવાર કરવાની પણ જાહેરાત કરી છે. હાલમાં રાજ્યમાં 2245 જેટલા બ્લેક ફંગસના દર્દીઓ સામે આવી ચુક્યા છે.