મહેસાણા,તા.૧૮ 

 મહેસાણા શહેરને કોરોનાએ જાણે અજગરી ભરડો લીધો હોય તેમ શુક્રવારે એકસાથે ૧૨ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં સૌથી વધુ ૨૭ કેસ સાથે આંકડો ૬૧૪એ પહોંચી ગયો છે. જેમાં મહેસાણા શહેરમાં ૧૨, વિસનગર, ગોઠવા, સવાલા, કડીના રાજપુર, દેત્રોજપુરા અને બહુચરાજીમાં ૨-૨ તેમજ દેદિયાસણ, કડવાસણ અને કુંડાળમાં ૧-૧ કેસ નોંધાયો છે. હજુ ૨૭ એક્ટીવ કેસ છે. ૧૦ જણાને રજા અપાઇ હતી. વધતા જતા આંકડાને લઇ સતત મિટિંગોમાં વ્યસ્ત વહિવટી તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊઠ્‌યા છે. કોરોના પોઝિટિવ દર્દીઓને હોસ્પિટલ અને હોમ આઇસોલેટ કર્યા છે ત્યારે તેમના સંપર્કમાં આવેલા ૬૦૦થી વધારે લોકોને ક્વોરન્ટાઇન કરવા તજવીજ હાથ ધરાઇ છે.અનલોક બાદ વિસનગરમાં કોરોનાએ માથું ઊંચક્યું છે. શુક્રવારે એક દિવસમાં સૌથી વધુ સાત કેસ આવતાં આંકડો ૫૦ થયો છે. શુક્રવારે વિસનગર શહેરમાં ૬૭ વર્ષિય મહિલા, બે યુવકો કોરોના પોઝિટિવ આવ્યા હતા. તો સવાલા ગામમાં ૪૬ અને ૨૨ વર્ષની બે મહિલા તેમજ ગોઠવામાં ૫૫ વર્ષના પુરૂષ અને ૨૨ વર્ષના યુવકનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતાં તેમને વડનગર હોસ્પિટલમાં ખસેડાયા છે. કુલ ૫૦ માંથી ૨૯ લોકો કોરોનાને માત આપી છે. ૨ લોકોને કોરોના ભરખી ગયો છે. ૧૯ કેસ એક્ટીવ છે. મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકમાં ગનમેન જયંતીભાઇ પટેલને ૧૫ દિવસ અગાઉ શરદી, ખાંસીની ફરિયાદ ઉઠતાં લીધેલા સેમ્પલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમણે અગાઉ સાંઇક્રિષ્ણા કોવિડ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જોકે, તેમની તબિયત લથડતાં અમદાવાદ લઇ જવાયા હતા. ૧૫ દિવસની સારવાર દરમિયાન શુક્રવારે મોત થયું હતું. મહેસાણાની હરિહર સોસાયટીમાં રહેતા અને રાજવી ફ્લેટ પાસે કરિયાણાની દુકાન ધરાવતા યુવાનને રિપોર્ટ પોઝિટિવ આવતાં તે અનેકના સંપર્કમાં આવ્યો હોવાનું મનાય છે. બહુચરાજીની મહેશ્વરી સોસાયટીમાં રહેતો અને બજારમાં હેરકટિંગ સલૂન ધરાવતો યુવાન અને તેની માતા કોરોના સંક્રમિત બન્યા છે.