વડોદરા, તા.૨૭ 

વિશ્વભરમાં હાહાકાર મચાવી રહેલો કોરોના વાયરસ વડોદરા સેન્ટ્રલ જેલની અભેદ દિવાલો ઓળંગીને કેદીઓ સુધી પહોંચી ગયો છે. ગઈ કાલે જેલમાં ૧૮ કેદીઓ કોરોનાગ્રસ્ત હોવાની જાણ થયા બાદ આજે તપાસ દરમિયાન સેન્ટ્રલ જેલમાં વધુ ૪૩ કેદીઓ પણ કોરોનાથી સંક્રમિત હોવાની જાણ થતાં જેલ અને વડોદરા વહીવટી તંત્રના સત્તાધીશોમાં દોડધામ મચી હતી અને તંત્ર દ્વારા કેદીઓને જેલમાં જ સારવાર મળે તે માટે યુધ્ધના ધોરણે તૈયારીઓ શરૂ કરી દીધી છે. વડોદરાની સેન્ટ્રલ જેલમાં અત્યાર સુધી મોબાઈલ ફોન ગેરકાયદે પ્રવેશતા હતા પરંતું હવે કોરોના વાયરસે પણ જેલની દિવાલો ઓળંગીને કેદીઓ સુધી પહોંચી ગયો છે. ગઈ કાલે સેન્ટ્રલ જેલમાં ૧૮ કેદીઓ કોરોના સંક્રમિત હોઈ તંત્ર દ્વારા જેલમાં કેદીઓના સેમ્પલો લીધા હતા જેમાં આજે એક બે નહી પરંતું વધુ ૪૩ કેદીઓ કોરોનાગ્રસ્ત હોવાની ઘટસ્ફોટ થયો હતો. જેલમાં માત્ર બે દિવસમાં ૬૧ કેદીઓ કોરોનાથી સંક્રમિત હોવાની જાણ થતાં જેલ સત્તાધીશો અને વડોદરા વહીવટી તંત્રમાં જેલમાં કોરોના નાથવા માટે દોડધામ મચી હતી. 

આજે બપોરે ફરજ પરના ખાસ અધિકારી ડો.વિનોદ રાવ અને તબીબ અધિકારી સહિતની ટીમે જેલ સંકુલમાં મુલાકાત લઈ કોરોના સંક્રમિત કેદીઓને જેલમાં જ સારવાર માટેની તૈયારીઓ કરી હતી. આ દરમિયાન આજે જેલના ૪૩ કેદીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દ્વારા કેદીઓને જેલમાં જ કોરોનાની સારવા માટે યુધ્ધના ધોરણે તૈયારીઓ હાથ ધરી છે અને આવતીકાલથી કોરોના સંક્રમિત તમામ ૬૧ દર્દીઓને શહેરના કોવીડ સેન્ટર કે કોવિડ હેલ્થ સેન્ટરમાં મોકલવાના બદલે જેલમાં જ શરૂ થનાર કોવિડ કેર સેન્ટરમાં સારવાર અપાશે તેમ સુત્રોએ જણાવ્યું છે. આ અંગે ફરજ પરના ખાસ અધિકારીએ એડ.ડીજી (જેલ વિભાગ) કેએલએન રાવ સાથે સંવાદ સાધીને જેલમાં કોવિડ સેન્ટરની જાણકારી આપી છે જેના કારણે કેદીઓની જેલની બહાર લઈ ગયા વિના અને વિશેષ બંદોબસ્ત વિના સારવાર હાથ ધરાશે.