આણંદ : કોરોના વાઇરસની વૈશ્વિક મહામારી સામે દેશ સહિત આપણું રાજ્ય મક્કમતાથી લડત આપી રહ્યું છે. કોરોનોને મ્હાત આપવા તથા સંક્રમણને નિયંત્રણમાં રાખવા માટે વહીવટી અને આરોગ્ય તંત્ર દ્વારા અનેકવિધ પગલાં લેવામાં આવ્યાં છે.  

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોના વાઇરસથી સંક્રમિત થયેલાં હોય તેઓથી માંડી વ્યક્તિગત અને જનસમૂહના રક્ષણથી માંડી ગંભીર દર્દીઓની સારવાર કરવા સુધીની વ્યવસ્થાઓ સમયાંતરે ઊભી કરવામાં આવી છે. કોરોના વાઇરસ હોય કે કોઇપણ રોગ હોય, પરંતુ તેને અટકાવવા અને તેનાં ગંભીર પરિણામોથી બચવા માટે વહીવટીતંત્રની સાથે આપણી એટલે કે નાગરિકોની પણ એટલી જ જવાબદારી છે. આ જવાબદારી આપણે ત્યારે જ નિભાવી કહેવાય જ્યારે તેને સમજીને સંવેદનાથી સરકાર અને વહીવટીતંત્રના કાર્યમાં સહભાગી થઈએ.

આપણે સૌએ કોરોનાના સંક્રમણ અને ચેપ વિશે તેમજ તેનાંથી રક્ષણ મેળવવા માટેના પગલાં અંગેની જરૂરી જાણકારી મેળવી, આવી જાણકારી આપણી આસપાસના લોકોને સમજાવીએ અને ખાસ કરીને નાના બાળકો અને વડીલો ઘરની બહાર ન નીકળે તે માટે તેઓની સાથે ઘરમાં રહીને આપણે એટલે કે યુવાનોએ સમય કાઢીને સમય આપવો જાેઈએ.

જેઓ પોતાના મન પર કાબૂ રાખી શકતા નથી તેવી આજની યુવા પેઢીએ મન પર કાબૂ રાખવાની સાથે અનિવાર્ય સંજાેગો સિવાય બહાર બજારમાં ફરવા ન નીકળવું, ટોળે ન વળવું, ભીડભાડવાળી જગ્યા એ ન જવું, લારી-ગલ્લાં પર ગપ્પાં મારવા ભેગાં ન થવું અને કામસર બહાર જવાનું થાય તો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું. આ ઉપરાંત માસ્ક પહેરીને જ બહાર નીકળવું જાેઈએ. તેમજ વારંવાર સાબુથી હાથ ધોવા કે સેનિટાઇઝરનો ઉપયોગ કરવો જાેેઈએ.

યુવાનો વિના કારણ બહાર જવાના આકર્ષણમાંથી બહાર આવશે અને વહીવટીતંત્રના કાર્યમાં સહયોગ આપવાની સાથે જનજાગૃતિનું કામ કરશે તો ગલી, મહોલ્લો, ફળિયા, ગામ-શહેર, તાલુકા, જિલ્લા અને રાજ્યમાં કોરોનાની મહામારીની ગતિને અટકાવવામાં મદદરૂપ થવાની સાથે કોરોનોને હરાવવામાં મહત્વનો ભાગ ભજવી શકે તેમ છે.

આણંદના નાગરીકો આવો આજે આપણે શપથ લઇએ કે, હું માસ્ક પહેર્યા વિના ઘરની બહાર નહીં નીકળું, દરેકથી ઓછામાં ઓછું છ(૬) ફૂટનું અંતર જાળવીશ, વારંવાર સાબુથી હાથ ધોઇશ કે સેનિટાઇઝરનો ઉપયોગ કરતો રહીશ, મારી તથા મારા સ્વજનોની રોગપ્રતિકારક શક્તિ વધારવા આયુષની ઉપચાર પદ્ધતિઓ અપનાવીશ અને યોગ-વ્યાયામ ઇત્યાતદિથી જીવનશૈલી સુધારીશ. મારાં પરિવાર અને સમાજના વડીલો, બાળકો અને બીમાર લોકોની વિશેષ કાળજી રાખીશ, તેવાં શપથ ગ્રહણ કરી બીજા લોકોને પણ આ બાબતે સમજાવીશ. કોરોના વાઇરસની લડાઇ સામે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જે અથાગ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેમાં સહભાગી થઈને કોરોનાને હરાવીએ.