વડોદરા : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાદ માર્ચ મહિનાના પ્રારંભ સાથે કોરોના સંક્રમણમાં એકાએક ઉછાળો આવ્યો છે. વડોદરા પાલિકાએ જાહેર કરેલા આંકડાઓ મુજબ વિતેલા છેલ્લા ર૪ કલાકમાં ૨૭૮૮ સેમ્પલો પૈકી ૭૫ જણાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે ૨૭૧૩ જણાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, જ્યારે ૬૪૮ એક્ટિવ દર્દીઓ પૈકી ૧૦૧ દર્દીઓ ઓક્સિજન ઉપર અને ૪૭ દર્દીઓ વેન્ટિલેટર ઉપર સારવાર હેઠળ છે.

મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતોની ચૂંટણીઓ બાદ કોરોનાના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થતાં તંત્ર ચિંતાતુર બન્યું છે અને આરોગ્યતંત્રે ફરીથી ટેસ્ટિંગ, સર્વે સહિતની કામગીરી ફરી એકવાર સઘન બનાવી છે. ફેબ્રુઆરીની ૪થી તારીખથી માર્ચ મહિનાની ૭મી તારીખ સુધી પોઝિટિવ કેસોની સંખ્યા પ૦થી નીચે રહ્યા બાદ છેલ્લા એક અઠવાડિયાથી ફરી કેસોમાં વધારો થયો છે.

પાલિકાના સૂત્રોના જણાવ્યા અનુસાર વિતેલા છેલ્લા ર૪ કલાકમાં ૨૭૮૮ સેમ્પલો લેવામાં આવ્યા હતા, જેમાં ૭૫ જણાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આમ વડોદરા શહેર-જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના કુલ પોઝિટિવ કેસોની સંખ્યા ૨૫૬પર થઈ છે, જે પૈકી વધુ ૪પ દર્દીઓ સ્વસ્થ થતાં કુલ ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યા ૨૪૭૬૧ થઈ છે, જ્યારે મૃત્યુઆંક ૨૪૩ ઉપર સ્થિર રહ્યો છે.

વડોદરા શહેર-જિલ્લામાં વિવિધ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા ૬૪૮ છે, જેમાં પ૦૦ સ્ટેબલ તેમજ ૧૦૧ ઓક્સિજન પર અને ૪૭ દર્દીઓ વેન્ટિલેટર પર છે. કોરોનાના કેસો વધતાં પાલિકા અને જિલ્લા પંચાયતની ૮૨૪ જેટલી આરોગ્ય વિભાગની ટીમો દ્વારા ડોર ટુ ડોર સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. એક તરફ વેક્સિનેશન તેમજ બીજી તરફ કોરોનાના કેસો વધતાં ફરીથી કોવિડ હોસ્પિટલોની સુવિધા વધારીને ફરીથી વધુ સ્ટાફની નિયુક્તિ કરવામાં આવી છે. સરકારી હોસ્પિટલો સાથે ખાનગી લેબમાં પણ કોરોના ટેસ્ટિંગ માટે લોકોની ભીડ જામી રહી છે.

કન્ટેઈન્મેન્ટ ઝોન સાથે કોરોનાના દર્દીઓની માહિતી આપવા માગ

વડોદરા, તા.૧૭

કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે ટેસ્ટિંગ વધારવા માટે તંત્ર સંપૂર્ણ નિષ્ફળ સાબિત થયું છે. વડોદરામાં કોરોનાના ટેસ્ટિંગ વધારવા માટે અને કન્ટેઈન્મેન્ટ ઝોન સાથે કોરોના દર્દીઓની માહિતી આપવાની માગ સાથે ટીમ ગબ્બરે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.

આવેદનપત્રમાં જણાવ્યું છે કે, વડોદરાની ર૪ લાખ વસતી સામે ફક્ત ૧૦૦૦ જેટલા જ ટેસ્ટિંગ કરવામાં આવે છે જે ખરેખર નહિવત્‌ કહેવાય. ગુજરાતના મુખ્યમંત્રીની વાત માનીને આગામી ર૪ કલાકમાં તાત્કાલીક ધોરણે ટેસ્ટિંગ વધારવા સાથે કન્ટેઈન્મેન્ટ ઝોનની માહિતી આપવામાં આવે છે એની સાથે અન્ય શહેરોમાં કોરોનાગ્રસ્ત દર્દીની માહિતી આપવામાં આવે એવી જ માહિતી વડોદરા શહેરમાં આપવામાં આવે, જેથી કોરોનાનું સંક્રમણ ઘટાડી શકાય. કોરોનાકાળ દરમિયાન મૃત્યુ પામેલ પોલીસ, ડોક્ટર, ફાયર બ્રિગેડ, સફાઈ કર્મચારીઓ, તલાટી કમ મંત્રી, મામલતદાર, કલેકટર કચેરીના કર્મચારીઓ તેમજ અન્ય સરકારી સહાયકોને ગુજરાત સરકાર દ્વારા પ૦ લાખની સહાય અને હાલ કામ કરતા તમામ લોકોને વીમાકવચ આપવામાં આવે તેવી માગ કરી છે.

કોરોના સંક્રમણ વધતાં વડોદરામાં ડો. વિનોદ રાવને વધુ એકવાર જવાબદારી સોંપાઈ

વડોદરા. સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીઓ બાદ કોરોનાનું સંક્રમણ વધતાં રાજ્ય સરકાર સતર્ક બની છે. રાત્રિ કરફયૂનો અમલ લંબાવવાની સાથે સમયમાં વધારો કરાયા બાદ રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ એમ ચાર મહાનગરોમાં કોરોનાના કેસ એકાએક વધી રહ્યા છે. ત્યારે વડોદરામાં કોરોના સંદર્ભે ઓએસડી તરીકે કામગીરી ફરી એકવાર ડો. વિનોદ રાવને સોંપવામાં આવી હતી.

આ વિસ્તારમાં કોરોનાના નવા કેસ નોંધાયા

વડોદરા. વડોદરા શહેરના રાવપુરા, વાસણા રોડ, સવાદ ક્વાર્ટર્સ, શિયાબાગ, દાંડિયાબજાર, વિજયનગર, મંગલેશ્વર, હરણી રોડ, પીરામિતાર રોડ, લાલબાગ, નારાયણ વાડી, જૈન મંદિર ફળિયું, ઈન્દ્રપ્રસ્થ પ્રતાપનગર, જ્યારે વડોદરા ગ્રામ્યના વરણામા, વલણ, રણોલી, સોખડા, પાદરા, કોયલી અને આસોજનો સમાવેશ થાય છે.

અત્યાર સુધી ગ્રામ્ય વિસ્તારમાં સૌથી વધુ ૭૮ કેસ નોંધાયા

વડોદરા. વડોદરામાં ગત વર્ષે માર્ચ મહિનાની ર૦મી તારીખની આસપાસ કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો. ત્યારથી અત્યાર સુધી વડોદરા શહેર-જિલ્લામાં નોંધાયેલા ૨૫૬૫૨ કેસો પૈકી સૌથી વધુ ૭૮૫૧ કેસ ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયા છે. જ્યારે ઉત્તર ઝોનમાં ૪૨૪૬ અને પૂર્વ ઝોનમાં સોથી ઓછા ૩૮૦૩ કેસો નોંધાયા છે.

છેલ્લા ૭ દિવસમાં ૪૫૬ પોઝિટિવ કેસ નોંધાયા

છેલ્લા પાંચ દિવસથી ૬૦ની ઉપર તેમજ બે દિવસથી પોઝિટિવ કેસોની સંખ્યા ૭૦ની ઉપર પહોંચી છે. ત્યારે આજે નોંધાયેલા વધુ ૭પ પોઝિટિવ કેસોની સાથે છેલ્લા સાત દિવસમાં પોઝિટિવ કેસોની સંખ્યા ૪૫૬ નોંધાઈ છે.