કોરોના મહામારી વચ્ચે આઇપીએલનું યુએઈમાં આયોજન કરવા માટે તૈયારી કરી રહેલા ભારતીય ક્રિકેટ બોર્ડને 'બાયો બબલ' તેમજ ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ અને ઓફિસિઅલ્સની સલામતી માટે એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે. બીસીસીઆઇના ઓફિસિઅલને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે, ભારતીય ક્રિકેટરો અને સપોર્ટ સ્ટાફ હાલ તો ભારતમાં જ પોતપોતાની ટીમોની સાથે ૧૪ દિવસના ક્વોરન્ટાઈનમાં રહેશે. જોકે તે પૂર્વે તમામ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફનો ૨૪ કલાકના અંતરાલમાં બે વખત કોવિડ-૧૯ આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવશે.

સંયુક્ત આરબ અમીરાતમાં ઈન્ડિયન પ્રીમિયર લીગનું આયોજન કરવાની તૈયારી શરૃ થઈ ચૂકી છે. બીસીસીઆઇએ ટીમ ઈન્ડિયાના હાઈપ્રોફાઈલ ખેલાડીઓ અને ઓફિસિઅલ્સને કોરોના મહામારીથી બચાવવા માટે કડક નિયમો ઘડી કાઢ્યા છે. ભારતીય ક્રિકેટરો અને સપોર્ટ સ્ટાફ યુએઈમાં આઇપીએલ પૂર્વે પ્રેક્ટિસ શરૃ કરે તે અગાઉ ઓછામાં ઓછો પાંચ વખત તેમનો કોરોનાનો ટેસ્ટ થશે. આઇપીએલ શરૃ થઈ જશે, તે પછી પણ પ્રત્યેક પાંચ દિવસે ભારતીય ક્રિકેટરોનું કોરોનાનું ટેસ્ટિંગ થશે તેવું આયોજન કરવામાં ભારતીય ક્રિકેટ બોર્ડ વ્યસ્ત બન્યું છે.