દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો હોવાથી ટેસ્ટીગંનું કાર્ય ઝડપી બનાવવા પ્રયત્નો થઈ રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને ગુરૂવારે એક મોબાઈલ લેબ લોન્ચ કરી હતી જે કોરોના ટેસ્ટમાં ઉપયોગી સાબિત થશે. આ લેબ દ્વારા કોઈ પણ વિસ્તારમાં ટેસ્ટીગં કરી શકાશે અને તે આ રીતની પ્રથમ લેબ છે.

જાણવા મળ્યા મુજબ આ મોબાઈલ લેબ દ્વારા દરરોજ કોરોના વાયરસના ૨૫ ટેસ્ટ RT-PCR તકનીકથી અને ૩૦૦ ટેસ્ટ ELISA તકનીકથી કરી શકાશે. તે સિવાય ટીબી અને HIV સાથે સંકળાયેલા કેટલાક ટેસ્ટ પણ કરી શકાશે. મોબાઈલ લેબને અત્યંત આધુનિક સુવિધાઓ વડે સજ્જ કરવામાં આવી છે. સરકારના કહેવા પ્રમાણે જ્યાં લેબની સુવિધા નથી તેવા સ્થળોએ એટલે કે ગામડાઓ અને નગરોમાં આ લેબનો ઉપયોગ કરવામાં આવશે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને જણાવ્યું કે, ફેબ્રુઆરી મહીનામાં આપણા દેશમાં માત્ર એક જ લેબ હતી પરંતુ આજે આપણા પાસે ૯૫૩ લેબ છે. તેમાંથી આશરે ૭૦૦ જેટલી લેબ સરકારી છે જેથી દેશમાં કોરોના વાયરસનું ટેસ્ટીગં વધારી શકાશે. દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ ૬૩ લાખ જેટલા ટેસ્ટ થઈ ચુક્યા છે અને છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં આશરે પોણા બે લાખ જેટલા ટેસ્ટ થયા છે.

ICMR દ્વારા જૂનના અંત સુધીમાં દરરોજ દેશમાં કોરોનાના ત્રણ લાખ ટેસ્ટ કરવામાં આવે તેવું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. હાલ દરરોજના આશરે દોઢ લાખ જેટલા ટેસ્ટ થઈ રહ્યા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં ટેસ્ટીગં પર જાર આપવાની વાત કરી હતી.