વડોદરા : સબ સલામતની ડંફાસો વચ્ચે આજે એક જ દિવસમાં વડોદરા શહેરમાં કોરોનાએ ૪૦ જેટલાં દર્દીઓનો ભોગ લીધો હોવાની બિન સત્તાવાર માહિતએ સમગ્ર શહેરમાં હાહાકાર મચાવી દીધો છે. હોસ્પિટલ સૂત્રો ખાનગીમાં કબૂલે છે તંત્રની કડકાઈને કારણે અમે સાચા આંકડા જાહેર કરી શકતા નથી. પરંતુ મૃતકોની સંખ્યા આનાથી બેવડી હોવાની પણ શકયતા છે. જાે કે મોડી સાંજે આ માહિતીએ સમગ્ર વડોદરામાં ખોફનો માહોલ પેદા કરતાં મૃતકોના આંકડા છુપાવતું સરકારી તંત્ર અને તેના હાકેમ અધિકારી તત્કાળ સક્રિય થયા હતા તથા સરકારી હોસ્પિટલોમાંના મૃતક દર્દીઓના મૃતદેહોને શહેરના અલગ અલગ સ્મશાનોમાં અલગ અલગ સમયે જ લઈ જવાની અને અંતિમક્રિયા ગણતરીના બે-ચાર સગાઓની હાજરીમાં પતાવી દેવાની યોજના અમલમાં મુકી હતી. જેને કારણે સ્મશાનના કર્મચારીઓ અને મીડીયાકર્મીઓને આજે એક દિવસ દરમ્યાન કેટલાક કોરોનાના દર્દીઓની અંતિમ વિધિ થઈ તેના સાચા આંકડા ઉપલબ્ધ થઈ શકે નહીં.

કોરોનાને કારણે શહેરમાં ઊભી થયેલી વિસ્ફોટક પરિસ્થિતિના પગલે ગોત્રી હોસ્પિટલનું તંત્ર પડી ભાંગ્યું છે. સત્તાવાર આંકડા કરતાં મૃત્યુનો આંક અનેકગણો ઊંચો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આજે દિવસ દરમિયાન એકલી ગોત્રી હોસ્પિટલ ખાતે જ ૩૯ દર્દીઓના મૃત્યુ થયા હોવાની વાત બહાર આવતાં ગભરાટનો માહોલ ફેલાયો હતો. કોરોનાને કારણે મોતને ભેટલાઓને ગાઈડલાઈન મુજબ અંતિમસંસ્કાર કરવાના હોય છે, પરંતુ મોતનો આંકડો એકદમ વધી જતાં એમના અંતિમસંસ્કાર માટે કર્મચારીઓ ખૂટી પડયા હોવાની ફરિયાદો દર્દીઓના સગાંઓએ કરી સારવાર બાદ ગોત્રી હોસ્પિટલમાં મોતનો મલાજાે પણ નહીં જળવાતો હોવાનો રોષ પ્રગટ કરાયો હતો. જીવના જાેખમે દરેક કોમના કોરોના દર્દીઓના મોત બાદ અંતિમવિધિ માટે હંમેશાં તત્પર રહેતા મુસ્લિમ યુવકોની સંસ્થાએ આજે દિવસભર દોડાદોડી કરી ૩૮ ઉપરાંત મૃતદેહોની અંતિમવિધિ કરી હોવાનું બહાર આવ્યું છે. બપોરે ચાર વાગે મોતને ભેટેલા એક દર્દીની અંતિમવિધિ માટે રાત્રે ૧૦ વાગ્યા સુધી એની પુત્રી અને પુત્રએ રઝળવું પડયું હતું. પિતાના મૃતદેહને કાંધ આપવા માટે ચાર લોકો પણ નહીં હોવાથી એને ભારે બળાપો ઠાલવી તંત્રની માનવતા મરી પરવારી હોવાનું દુઃખ સાથે જણાવ્યું હતું. જાે કે, આંકડાઓની માયાજાળ રમી મેનેજમેન્ટમાં પાવરધા તંત્રે મોતનો આંકડો જણાવ્યો નહીં હોવા છતાં માત્ર ગોત્રી હોસ્પિટલમાં જ ૩૯ મોત થયા હોવાની વાતે ભારે ભય ફેલાયો હતો. જાે કે, તંત્ર દ્વારા માત્ર ખાસવાડી સ્મશાનને કોરોના માટે નક્કી કરાયું હોવા છતાં ધ્યાન બીજે દોરવા અન્ય સ્મશાન ખાતે અંતિમવિધિ આટોપાઈ હોવાનું કહેવાય છે.

મીડિયાની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ કરાયો

વડોદરા. આજે ૪૦ ઉપરાંત મોત થયા હોવા અંગે તંત્રને સવાલ કરાતાં પોતાની જાતને સ્માર્ટ સમજતા હાકેમે લાશોને પણ જુદા જુદા સ્મશાનોમાં વગે કરી દીધી હતી અને કોરોનાથી થતા મોતની પરિસ્થિતિ કંટ્રોલમાં છે એવો દેખાડો ઊભો કરવાનો શરમજનક પ્રયાસ કર્યો હતો. મોડી સાંજ બાદ હોસ્પિટલો ઉપરથી કોરોનાની ડેડબોડી માત્ર ખાસવાડીને બદલે જુદાજુદા સ્મશાનોમાં મોકલી મીડિયાની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ કરાયો હતો.

વીજ કંપનીના વિવિધ કેડરના ૫૦થી વધુ કર્મીઓ કોરોનાની ઝપેટે

વડોદરા સ્થિત માધ્ય ગુજરાત વીજ કંપનીના અંદાજે ૫૦ જેટલા કર્મીઓ કોરોનાની ઝપટે ચઢયા છે. આ દર્દીઓમાં લાઇનમેનથી માંડીને મીટર રીડર,એક્ઝિક્યુટિવ્સ, ઇજનેરો,અધિકારીઓ,લાઈન સટાફ સહિતનાનો સમાવેશ થાય છે.આને લઈને કેટલીક વીજ કોલોનીઓમાં બહારના સભ્યોને પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત મુખ્ય કચેરીમાંતો ઘણા લાંબા સમયથી મુલાકાતીઓ પર પ્રતિબંધ લાગુ છે.

સરકારી યાદીમાં એક પણ મોત નહીં!

આ ભયાનક વાસ્તવિકતા પર ઢાકપિછોડો કરતી હોય એમ પાલિકાની સત્તાવાર યાદી તો એમ જણાવે છે કે શહેર-જિલ્લામાં કોરોનાના આજે વધુ ૧૭૪ કેસ પોઝિટિવ નોંધાયા છે. કેસનો કુલ આંક ૨૬,૭૭૮ ઉપર પહોંચી ગયો છે અને મૃત્યુઆંક છેલ્લા ઘણા સમયથી ૨૪૬ ઉપર સ્થિર જ રહ્યો છે તેમજ હોસ્પિટલમાંથી ૧૧૫ દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યા છે. અત્યાર સુધી કુલ ૨૫,૬૨૩ લોકો કોરોનાને મ્હાત આપી ચૂકયા છે. કોરોનાના નોંધાયેલા કેસમાં ૧૨૪ દર્દીઓ ઓક્સિજન ઉપર, જ્યારે ૬૮ વેન્ટિલેટર ઉપર છે અને ૭૧૭ દર્દીઓની હાલત સ્થિર છે. તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાદ કોરોના વાઈરસ શહેર-જિલ્લામાં ફેલાઈ રહ્યો છે અને રોજબરોજ કોરોનાના કેસોની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. રાજકીય પક્ષોના નેતાઓ પણ કોરોનાની ઝપેટે ચઢયા છે. જેથી પાલિકાનું આરોગ્ય વિભાગ દોડતું થયું છે.

સયાજી હોસ્પિટલમાં તબીબો - નર્સો સહિત ૩૦થી વધુ કર્મીઓને કોરોના

વડોદરાની કોરોનાની સારવાર કરતી મુખ્ય બે સરકારી હોસ્પિટલો પૈકીની સયાજી હોસ્પિટલના સટાફમાં પણ કોરોનાના કાળમુકઘા પંજાએ દેખા દીધી છે. આ હોસ્પિટલમાં ફરજ બજાવતા અંદાજે ૩૦ જેટલા વિવિધ કેદારના નર્સિંગ સટાફ, તબીબો સહિતનાને કોરોનાનો કાળમુખો પંજાે ઝપટે ચઢાવી ગયો છે. આને લઈને મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફમાં ફફડાટની લાગણી વ્યાપી ગઈ છે.

ગોત્રીમાં કોરોના ટેસ્ટની લાંબી લાઈનો ટાળવા ટોકન આપવા માગ

શહેરની ગોત્રી જીએમઈઆરએસ હોસ્પિટલ ખાતે કોરોનાના ટેસ્ટિંગને માટે લાંબીલાંબી કતારો લાગે છે.જેને લઈને ત્યાં કોરોનાના સોશ્યલ ડિસ્ટર્ન્સિંગના કોઈપણ પ્રકારના નિયમોનું પાલન થતું નથી.તેમજ જેઓને કોરોના ન હોય તો પણ કોરોના થવાનો ભય સતાવે છે. આ સંજાેગોમાં કોરોનાઅને લાંબી લાંબી લાઈનોમાંથી સુપર સ્પ્રેડ બનવાથી અટકાવવાને માટે નારાયણ રાજપૂતે કોરોના ટેસ્ટિંગને માટે આવનાર તમામને ટોકન આપીને ક્રમાંક મુજબ બોલાવવાને માટેની માગ કરી છે. જેથી લાંબી લાંબી લાઈનો લાગે નહિ.તેમજ કોરોના ફેલાય નહિ.દર્દીઓને પણ સુવિધા રહે એમ ઉમેર્યું છે.

કોરોનાની મહામારીને લઈને તબીબી પરીક્ષાઓ મોકૂફ

વડોદરા ઃ એમ.એસ.યુનિવર્સિટી, વડોદરાની ફેકલ્ટી ઓફ મેડિસીન ના અનુસ્નાતકિય અને ડિપ્લોમા કોર્સિસ્ની પરીક્ષાઓ પાંચમી એપ્રીલ,૨૦૨૧થી શરૂ થવાની હતી. હોસ્પિટલોમાં કોવીડ દર્દીઓ દાખલ થવાનું પ્રમાણ વધતાં આ પરીક્ષાઓ મોકૂફ રાખવાનો ર્નિણય લેવામાં આવ્યો છે જેની જાણ યુનિવર્સિટીના પરીક્ષા વિભાગના ડેપ્યુટી રજીસ્ટ્રારે પત્ર પાઠવીને ફેકલ્ટી ડીનને કરી છે તથા તમામ સંબંધિતોને તેની જાણ કરવા જણાવ્યું છે. ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે આની જાણકારી આપી હતી. મોકૂફ રાખવામાં આવેલી પરીક્ષાઓમાં એમ.એસ.સી.(મેડિકલ),એમ.એસ.,એમ.ડી.,એમ. સીએચ.અને ડિપ્લોમા પરીક્ષાઓનો સમાવેશ થાય છે.