રાજકોટ-

સૌરાષ્ટ્રમાં કોરોનાનો કહેર વધતો જઈ રહ્યો છે જેને પગલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, મુખ્ય સચિવ અનિલ મુકિમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસ નાથન અને આરોગ્ય સચિવ જયંતી રવિ સહિતનાં રાજકોટ દોડી આવ્યા છે. તેઓએ અહીં વિવિધ મુદ્દે સ્થાનિક અધિકારીઓ સાથે મીટીંગ યોજી રાજકોટ જિલ્લા સહિત સૌરાષ્ટ્રભરની વિગતો મેળવી હતી અને અધિકારીઓને જરૂરી સુચનાઓ પણ આપી હતી. આ બેઠક બાદ તેઓ વડોદરા જવા રવાના થવાના હોવાનું પણ જાણવા મળ્યું છે. રાજકોટ ખાતેથી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ મહત્ત્વપૂર્ણ જાહેરાતો પણ કરી હતી. જેમાં ૫ કરોડ ફાળવવાની તેમજ કોરોનાના ટેસ્ટ ડબલ કરવાની જાહેરાત કરી હતી. 

સૌરાષ્ટ્રમાં કોરોનાનાં વધતા જતા કેસોનાં લીધે સ્થિતિ વણસી રહી છે. એક તરફ તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે લોકોને મેળાવડા કરતા રોકવા તંત્ર પણ કપરુ સાબિત થનાર છે. બીજી તરફ કોરોનાથી લોકોને બચાવતા એવા કોરોના વોરીયર્સ પણ મોટી સંખ્યામાં કોરોનાની ઝપટે ચડી રહ્યા હોય આ વિષયે તંત્ર ચિંતિત બન્યું છે. કોરોનાની સ્થિતિ ઉપર કાબુ મેળવવાનો વ્યુહ ઘડવા અગાઉ આરોગ્ય સચિવ અને અધિક મુખ્ય સચિવે પણ રાજકોટની મુલાકાત લીધી હતી અને જરૂરી સુચના આપી હતી ત્યારબાદ આજરોજ હવે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, મુખ્ય સચિવ અનિલ મુકિમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસ નાથન, આરોગ્ય સચિવ જયંતી રવિ સહિતના રાજકોટ પહોંચ્યા છે.