વડોદરા : જી.એમ.ઇ.આર.એસ., ગોત્રી હોસ્પિટલના કોવીડ વિભાગના વહીવટી નોડલ અધિકારી ડો.શિતલ મિસ્ત્રી અને શહેર બીજેપી અધ્યક્ષ ડો વિજય શાહે કોરોના રસીકરણના બીજા તબક્કાના કાર્યક્રમમાં જાતે રસી મૂકાવી હતી. આ પ્રસંગે ડો. શિતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, ભારતમાં જે બે રસીઓ કોવીડ સામે સુરક્ષા માટે મૂકવામાં આવી રહી છે. એ બંને ઘણી સલામત રસીઓ છે. તેઓએ ઉમેર્યું હતું કે, આ રસી સલામત હોવાનો વિશ્વાસ બંધાવવા સહુથી પહેલા રસી મૂકાવીએ તે જરૂરી છે. ભારત સરકારે તમામ પેરા મીટર્સનો તલસ્પર્શી અભ્યાસ કરીને આ રસીઓના ઉપયોગની મંજુરી આપી છે.વિદેશમાં જે રસીઓની ગંભીર આડ અસર થઈ છે એમાં પી.ઇ.જી.ના તત્વનું રીએકશન જવાબદાર છે. ભારતની રસીઓમાં એના બદલે પોલી સોરબેટ વપરાય છે જેની નજીવી આડ અસર કેટલાક કિસ્સામાં વર્તાય છે. રસીકરણ પહેલા લાભાર્થીની ક્લિનિકલ હિસ્ટ્રી લેવામાં આવે છે અને ફૂડ એલર્જી કે અન્ય કોઈ બાબત જેના લીધે તકલીફ થવાની શક્યતા હોય તે જાણમાં આવે તો એવા લાભાર્થીને રસીમાંથી બાકાત કરાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશભરમાં શરૂ કરાવવામાં આવેલા કોવીડ રસીકરણ અભિયાનનો આનંદ વ્યકત કરતા શહેર બીજેપી અધ્યક્ષ ડો વિજય શાહે જણાવ્યું કે, આ અભિયાનથી દેશ અને રાજ્યમાં કોરોનાના અંતની શરૂઆત થઇ છે. ગુજરાતે કોવીડના પડકારનો સફળ મુકાબલો કર્યો તે પછી સલામત રસીકરણનું પણ વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે. આ રસીકરણ સુરક્ષિત છે. તેની સહુને ખાત્રી કરાવવા આજે જાતે રસી લીધી છે. ડોકટર્સ, નર્સિંગ, પેરામેડિકલ સ્ટાફ સાથે કોરોનાની વેક્સિન લીધી છે.