વડોદરા

પાલિકાના શાસકો દ્વારા વિકાસના નામે મતદારો પાસેથી મત લીધા પછીથી હવે મતદારો પ્રજા બની જતા મત ખંખેર્યા પછીથી ખિસ્સા હળવા કરીને નાણાં ખંખેરવામાં આવતા નિર્દોષ પ્રજામાં શાસકોની ગરજ પતિને વૈદ્ય વેરી જેવી નીતિરીતિ સામે રોષ ભભૂકી ઉઠ્‌યો છે. વડોદરા મહાનગર પાલિકા અને વડોદરા શહેર પોલીસની સંયુક્ત જાેઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ -જેટ દ્વારા શહેરમાં નિર્દોષોને રંજાડીને કોરોનાના નામે અડધા લાખ ઉપરાંતના દંડની વસુલાત કરવામાં આવી છે. જેમાં પાલિકાના બારે બાર વોર્ડના અધિકારીઓની ટીમ દ્વારા પોલીસને સાથે રાખીને નિર્દોષોને રંજાડીને કાયદાના ડરે ડરાવી -ધમકાવીને નાણાં પડાવ્યાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. આ વ વસુલાતને લઈને શાસકોની બે મોઢાની વાત ખુલ્લી પડી જાગી છે.એક તરફ સાંસદે ગરીબ પ્રજાની પાસેથી દંડ વસૂલવાને બદલે માસ્ક આપીને હકારાત્મક અભિગમ અપનાવવાની વાત કરાઈ રહી છે. જયારે બીજી તરફ આજ પક્ષના શાસકો દ્વારા દંડ વસૂલાય રહ્યો છે.જેની સામે રોષ અને નારાજગી પ્રવર્તી રહી છે. વડોદરા મહાનગર પાલિકા દ્વારા શહેરમાં નાગરિકો અને વેપારીઓ દ્વારા કોવિડ ગાઇડલાઇનના ઉલ્લંઘનની બાબત ધ્યાને આવતા મહાનગર પાલિકા અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત રૂપે અધિકારીઓની ખાસ જાેઇન્ટ એનફોર્સમેન્ટ ટીમ-જેટની રચના કરવામાં આવી છે, આ ટીમો દ્વારા બાર વહીવટી વોર્ડના વિવિધ સ્થળોએ ચેકીંગ દરમિયાન કોવિડ–૧૯ની ગાઇડલાઇનનું પાલન થતું ન હોવાને કારણે જાહેર આરોગ્યના હિતમાં તેમજ માસ્ક ન પહેરનાર અને સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન ન કરનાર પાસેથી રૂ.૪૮,૩૦૦/-ના દંડની વસુલાત કરવામાં આવી હતી. પાલિકાના ડોર ટુ ડોરના ૩૦૬ વાહનો અને ૧૧૨ ઓપન સ્પોટ વ્હિકલ દ્વારા સાફ સફાઇ કરવામાં આવી હતી. શહેરમાં વિવિધ ૧,૦૦૬ સ્થળોએ સાફ-સફાઇ કરી ૧,૧૮૬ મે.ટન ધન કચરાને એકત્રીત કરીને તેનો નિકાલ કરવામાં આવ્યો હતો.પાલિકાના ચારેય ઝોનમાં સાફ-સફાઇની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ૫૬૫ કિલો મેલેથિયોન અને ૪,૦૬૦ કિલો ચૂનાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. પાલિકાની દબાણ શાખાની ટીમો દ્વારા સતત પેટ્રોલીંગ કરી નાગરિકો દ્વારા સોશીયલ ડિસ્ટન્સીંગનો હેતુ જળવાઇ તે બાબતની સમીક્ષા કરી તેનો અમલ ન કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. એમ સૂત્રોએ જણાવ્યું હતું.