વડોદરા-

પ્રધાનમંત્રી જન્મ દિવસ રસીકરણ અભિયાનને સફળ બનાવવા વડોદરા જિલ્લા આરોગ્ય તંત્રના સચોટ પૂર્વ આયોજન પ્રમાણે માત્ર આરોગ્યના નહિ પણ જમીનીસ્તરે સઘન લોકસંપર્ક ધરાવતા સરકારના વિવિધ ખાતાઓ અને પંચાયત પદાધિકારીઓ,જિલ્લા અને તાલુકા પંચાયતો ની વિવિધ સમિતિઓના સદસ્યો,પંચાયત સદસ્યો જેવા લોકોના વ્યાપક સહયોગ થી શુક્રવારની રાત્રીના બાર વાગ્યા સુધીમાં કુલ ૬૯૧૦૪ લોકોને રસી દ્વારા કોરોના રક્ષિત કરવામાં સફળતા મળી છે. એવી જાણકારી આપતાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સુરેન્દ્ર જૈને જણાવ્યું કે,રાજ્ય સરકારે રસીના પૂરતાં ડોઝ ફાળવ્યા હતા અને રસીકરણ અવિરત ચાલુ રાખવામાં આવ્યું હતું. હકીકતમાં ગુરુવારની રાત્રે જ ગણેશ પંડાલોમાં મંડળોના સહયોગથી જરૂરી વ્યવસ્થાઓ કરીને શ્રીજી ની સન્મુખ રસી આપવાનું જિલ્લાના વિવિધ ગામોમાં શરૂ કરી દેવામાં આવ્યું હતું.એટલે આરોગ્ય તંત્રે ગુરૂ અને શુક્ર, એ બંને દિવસોએ મધ્ય રાત્રિ સુધી લોક આરોગ્યની રક્ષા માટે જાગરણ કર્યું હતું.

ડો. જૈને જણાવ્યું કે,આગોતરી તૈયારીની વ્યૂહ રચનાના ભાગરૂપે અમે જિલ્લામાં પહેલો ડોઝ કોનો બાકી છે અને બીજા ડોઝ માટે કેટલા લોકો ઠરાવેલી સમય મર્યાદા પ્રમાણે પાત્ર છે તેની ઓળખ કરી લીધી હતી.ટેલિફોન કોલ અને આંગણવાડી કાર્યકરો,આશા બહેનો ,શિક્ષકગણ અને સહયોગીઓની મદદ થી આ લોકોને સતત રસી લઇ લેવાની યાદ અપાવવાની સાથે,રસી ક્યાં મુકાવી શકાશે અને રાત્રીના બાર વાગ્યા સુધી મુકાવી શકાશે તેની વારંવાર યાદ અપાવી,તેમને પ્રેરિત કર્યા હતા.બસ સ્ટેન્ડ સહિતના સ્થળો,શ્રમિક વસાહતો અને હાઇવે પર રસી આપવાના બુથો મૂકવામાં આવ્યા હતા.આ તમામ પ્રયાસોને સરવાળે નોંધપાત્ર સફળતા મળી તેનો આનંદ વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું કે,શુક્રવારની સવારના ૮ વાગ્યા થી જિલ્લામાં ૩૧૬ રસિપ્રદાન બુથો પર રસી આપવાનું શરૂ કર્યું જે રાત્રીના ૧૨ વાગ્યા સુધી ચાલુ રહ્યું. તેમણે જણાવ્યું તે પ્રમાણે આંકડાકીય ગુણાકાર અને ભાગાકાર કરીએ તો રસપ્રદ વિગતો મળે છે. ગુરુવારની રાત્રિના કલાકોને ને બાદ કરીએ તો શુક્રવારે વહેલી સવાર થી મધ્યરાત્રિ સુધીમાં ૧૬ કલાક રસી મૂકવામાં આવી એટલે કે કલાકની ૬૦ મિનિટ પ્રમાણે અંદાજે ૯૬૦ મિનિટ સુધી રસી મૂકવાની કામગીરી ચાલી.કુલ ૬૯૧૦૪ લોકોએ રસી મુકાવી એટલે કે પ્રતિ મિનિટ લગભગ ૭૨ લોકોને રસી આપવામાં આવી. ૩૧૬ કેન્દ્રો પ્રમાણે ગણતરી માંડીએ તો એક કેન્દ્ર દીઠ સરેરાશ ૧૯૨ લોકોને રસી મૂકવામાં આવી. ૧૬ કલાક પ્રમાણે અંદાજ બાંધીએ તો દર કલાકે સરેરાશ ૪૩૧૯ લોકોએ રસી લીધી. સેકન્ડસ પ્રમાણે અડ્સટતો બેસાડીએ તો ૯૬૦ મિનિટની ૫૭૬૦૦ સેકંડસ માં ૬૯૧૦૪ લોકોને રસી મૂકવામાં આવી એટલે પ્રતિ સેકંડ સરેરાશ ૧ થી વધુને રસી મૂકવામાં આવી.આ સામુહિક ગણતરી છે.રાજ્ય સરકારે રસીના અંદાજે ૧.૨૦ લાખ ડોઝ ફાળવ્યા હતા અને પ્રત્યેક કેન્દ્ર પર રસીનો પૂરતો સ્ટોક જળવાય એની સંકલિત વ્યવસ્થાને લીધે અવિરત રસીકરણ શક્ય બન્યું.