રાજકોટ-

તા.17 કોરોનાના ભયાનક મારનો સામનો કરી રહેલા રાજકોટમાં સ્થિતિને થાળે પાડવા માટે તંત્ર સફળ થઈ શક્યું નથી બરાબર તેવા ટાંકણે જ કોરોનાગ્રસ્ત દર્દીઓ ઉપર 'મ્યુકર માઈક્રોસીસ'નો ખતરો તોળાવા લાગ્યો છે. કોરોનાકાળમાં રાજકોટ સિવિલમાં આ રોગના 25થી વધુ કેસ નોંધાઈ ગયા છે તો ત્રણ લોકો મોતને ભેટી ચૂક્યા છે. આ રોગ દર્દીના આંખ-નાક-કાનના હાડકાને રીતસરની કોરી ખાતો હોય તબીબી આલમ માટે નવો પડકાર ઉભો થયો છે. તબીબોના જણાવ્યા પ્રમાણે આ રોગ નવો નથી પરંતુ કોરોનાને કારણે રોગપ્રતિકારક શક્તિ ઓછી થઈ જવાથી શક્તિ ઓછી થઈ જવાથી કેસમાં વધારો થવા પામ્યો છે. કોરોનાગ્રસ્ત દર્દીને આપવામાં આવતું સ્ટીરોઈડના ઈન્જેક્શન સાથે 'મ્યુકર માઈક્રોસીસ'ને 'આડવેર' હોય તે 'તાકાતવર' બની રહ્યું છે.

સિવિલ હોસ્પિટલમાં કાર્યરત કાન-નાક-ગળાના રોગ નિષ્ણાત ડો.સેજલ મીસ્ત્રીએ લોકોને અપીલ કરતાં જણાવ્યું હતું કે કોઈ પણ દર્દીએ સામાન્ય શરદીને પણ અવગણવી જોઈએ નહીં. આ ઉપરાંત માથામાં દુ:ખાવો થતો હોય, પીળી શરદી થઈ ગઈ હોય કે આંખમાં દુ:ખાવો થાય એટલે તુરંત જ તબીબનો સંપર્ક કરવો જોઈએ. ખાસ કરીને ડાયાબીટીસના દર્દીઓ કે જેઓ કોરોનાગ્રસ્ત થયા હોય તેમણે તો આ કિસ્સામાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અન્યથા અંધાપો આવવા સહિતનો ખતરો તેમના ઉપર તોળાઈ રહ્યો છે. સાથે સાથે આ રોગની સારવાર કરી રહેલા તબીબો ઉપર પણ રોગી બનવાનો ખતરો રહે છે. 'મ્યુકર માઈક્રોસીસ' એટલી હદે ભયાનક છે કે જો તે એક વખત દર્દીના શરીરમાં ઘૂસી જાય એટલે અંગને ડેમેજ કર્યા વગર રહેતો જ નથી. આ ફંગસ સૌથી વધુ આંખ-કાન અને મગજને અસર કરે છે અને અનેક કિસ્સાઓમાં દર્દીને અંધાપો આવી જાય છે તો અમુક દર્દીની આંખનો ડોળો કાઢવાની પણ નોબત આવી રહી છે.