વડોદરા

કોરોનાના સંક્રમણનો બીજાે તબક્કો શરૂ થઈ ચૂકયો છે. કોરોના વાઈરસના સંક્રમણને નિયંત્રણ કરવા માટે સરકાર દ્વારા તમામ પ્રયાસો થઈ રહ્યા છે. તમામ રાજ્યો અને તંત્ર દ્વારા કોરોના વાઈરસના સંક્રમણને રોકવા માટે તમામ સાવચેતીના પગલાં લેવાઈ રહ્યાં છે તેમ છતાં શહેર-જિલ્લામાં મક્કમ ગતિએ વધી રહેલા કોરોનાના કેસો અંતર્ગત આજે ૧૧૨ વધુ નવા કોરોના પોઝિટિવ કેસો નોંધાયા હતા. જેથી કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને ૧૮,૩૬૦ પર પહોંચી ગઈ છે. આ સાથે કોરોનાની સારવાર લઈ રહેલા ૮ દર્દીઓના બિનસત્તાવાર આજે મૃત્યુ થયા હતા. જ્યારે ડેથ ઓડિટ કમિટીએ વધુ એક દર્દીનું કોરોનામાં મોત જાહેર કરતાં સત્તાવાર મૃત્યુઆંક મંદગતિએ વધીને ૨૨૫ પર પહોંચ્યો હતો. આજે ૧૦૧ દર્દીઓને હોસ્પિટલોમાંથી રજા આપવામાં આવી હતી, જેમાં ૧૩ દર્દીઓ સરકારી, ૭ દર્દીઓ ખાનગી હોસ્પિટલમાંથી, ૮૧ દર્દીઓને હોમ આઈસોલેશનમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે કુલ ડિસ્ચાર્જ સંખ્યા ૧૬,૯૧૫ થઈ હતી.

સેવાસદનની આરોગ્ય વિભાગની ટીમો દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં જેવા કે માંડવી, કારેલીબાગ, નવા યાર્ડ, કલાલી, દંતેશ્વર, શિયાબાગ, ઓ.પી.રોડ, સવાદ કવાર્ટર્સ, આજવા રોડ, માણેજા, અકોટા, દિવાળીપુરા, છાણી, પાણીગેટ, ફતેપુરા, મુજમહુડા, ફતેગંજ, તાંદલજા, સમા, ગોરવા, મકરપુરા સહિતના વિસ્તારો તેમજ ગ્રામ્યના કોયલી, શિનોર, પોર, ડભોઈ, કરજણ, વાઘોડિયા, પાદરા સહિતના વિસ્તારોમાં કુલ ૩૯૭૯ જેટલા કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતી વ્યક્તિઓના સેમ્પલો લેવામાં આવ્યા હતા, જેમાં ૩૮૬૭ નેગેટિવ અને ૧૧૨ પોઝિટિવ રિપોર્ટ આવ્યા હતા. બીજી તરફ હાલના તબક્કે વડોદરા શહેરની અલગ અલગ ખાનગી અને સરકારી હોસ્પિટલમાં ૧૨૨૦ દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે. જેમાં ૫૭ દર્દીઓ વેન્ટિલેટર પર, ૧૫૯ દર્દીઓ ઓક્સિજન પર અને ૧૦૦૪ દર્દીઓની હાલત સ્થિર હોવાનું તબીબીસૂત્રોએ જણાવ્યું હતું. આજે નોંધાયેલા ૧૧૨ કોરોનાના પોઝિટિવ કેસોમાં ગ્રામ્યમાંથી ૪૨ અને શહેરના ચાર ઝોન પૈકી દક્ષિણ ઝોનમાં ૧૬, ઉત્તર ઝોનમાં ૧૮, પશ્ચિમ ઝોનમાં ૧૯ અને પૂર્વ ઝોનમાં ૧૭ કેસોનો સમાવેશ થાય છે.

કોરોના બાદ અન્ય બીમારીઓ થવાની શક્યતા -ચેતવણી રૂપ કિસ્સો બન્યો 

કોરોના વાયરસને લોકો હજુ પણ હળવાશથી લેવાની ભૂલ કરી રહ્યા છે, પરંતુ આ ભૂલ લોકોને ભારે પડી શકે છે. જેનું જીવતું જાગતું ઉદાહરણ સામે આવ્યું છે. કોરોના અગાઉ એકપણ બીમારી ન ધરાવતા મહિલાને કોરોનાની સારવાર બાદ બ્લડ પ્રેશર, થાઇરોઇડ તેમજ ડાયાબિટીસ જેવી બીમારીઓ લાગી ગઈ હતી. જેના કારણે તેઓને હવે હોસ્પિટલના ધક્કા ખાવા પડી રહ્યા છે. શહેરના નિઝામપુરા વિસ્તારમાં રહેતા એક મહિલાને સપ્ટેમ્બર માસમાં કોરોના થયો હતો. તેઓએ હોસ્પિટલમાં સારવાર મેળવી કોરોના ને માત્ર ૧૫ દિવસમાં હરાવી દીધો હતો.  

કોરોના અગાઉ એકદમ સ્વસ્થ જીવન જીવી રહેલા આ મહિલાને કોરોના બાદ સૌપ્રથમ બ્લડ પ્રેશરની બીમારી આવી હતી. જેની તેઓ સારવાર લઈ રહ્યા હતા, ત્યાં તો તેમને ફરીથી શરીરમાં અશક્તિ લાગવા લાગી હતી. જેથી તેઓએ થાઈરોઈડનો રિપોર્ટ કઢાવ્યો હતો. જે પોઝિટિવ આવ્યો હતો. બે રિપોર્ટ કઢવ્યા બાદ પણ સારું ન થતાં ડોકટરે તેમને ડાયાબિટીસ નો રિપોર્ટ કઢાવવા માટે સલાહ આપી. જેથી તેમને ડાયાબિટીસ નો રિપોર્ટ કઢાવતા પહેલીવાર માં જ ડાયાબિટીસ ૭૩૨ આવ્યું. જેથી ડોકટર પણ ચિંતિત થઈ ગયા. આ ઉપરાંત તેઓને રાત્રે દેખાવાનું પણ ઓછું થઈ ગયું હતું.